પાકિસ્તાનમાં પણ કોરોના વાઈરસનો ચેપ બેકાબુ બન્યો હોવાથી ઈદના તહેવારો દરમિયાન તકેદારી માટે ચાર પ્રાંત – પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનવા અને પાકિસ્તાની તાબાના કાશ્મીરમાં સરકારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી તા. 8 થી 15 મે સુધી જાહેર કરવામાં આવેલા આ લોકડાઉનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ, પ્રવાસનના સ્થળો, પાર્ક – બગીચા, દુકાનો, તમામ પ્રકારના વેપાર-ધંધા તથા શોપિંગ મોલ્સ સંપૂર્ણપણે બંધ રહેશે, એમ પાકિસ્તાની અખબાર ધી એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલમાં જણાવાયું છે.

પંજાબના આરોગ્ય પ્રધાન યાસ્મિન રશિદે કહ્યું હતું કે, તેમના પ્રાંતમાં લોકડાઉનના પાલન માટે પોલીસ, રેન્જર્સ તથા સૈનિકો પણ તહેનાત રહેશે અને ઈદના તહેવારો દરમિયાન લોકોની અવરજવર ઉપર નિયંત્રણ રખાશે.

આ દિવસોમાં ફાર્મસીઝ, દવાની દુકાનો, કોરોના રસીકરણ કેન્દ્રો, પેટ્રોલ પંપ્સ, ખાવા -પીવાની વસ્તુઓની ડીલીવરી આપતા ટેકવેઝ, અનાજ – કરિયાણાની નાની દુકાનો, ડેરી, શાકભાજી તેમજ ફળો અને માંસના વેચાણની દુકાનો ખુલ્લી રહેશે.

પાકિસ્તાનમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રોગચાળાની શરૂઆત થયા પછી જુનમાં તે ટોચે પહોંચ્યો હતો અને જુલાઈમાં ઘટાડાની શરૂઆત થઈ હતી. જો કે, વર્ષના છેલ્લા તબક્કામાં ફરી કોરોના વાઈરસે માથું ઉચક્યું હતું અને લોકો તેને બીજો તબક્કો કહે છે. અને આ વર્ષે માર્ચ મહિનામાં ત્રીજો તબક્કો શરૂ થયો હતો.