નવી દિલ્હીમાં સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સોમવારે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. . (ANI Photo/SansadTV)

ભારતમાં 18 જુલાઈથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો હતો. વિપક્ષે અગ્નિપથ યોજના, કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગ અને બિનસંસદીય શબ્દોની નવી યાદી, મોંઘવારી, અર્થતંત્રમાં નરમાઈ સહિતના મુદ્દા ઉઠાવે તેવી શક્યતા છે. ચોમાસુ સત્રના પ્રારંભ પહેલા સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે આ તમામ મુદ્દા પર ચર્ચા કરવાની માગણી કરી હતી. ચોમાસુ સત્ર 12 ઓગસ્ટે સમાપ્ત થશે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સંસદના નિયમ અને કાર્યપદ્ધતિ હેઠળ સરકાર તમામ મુદ્દાની ચર્ચા કરવા માટે તૈયાર છે. બીજી તરફ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે સવાલ કર્યો હતો કે સંસદના 14 દિવસના સત્રમાં 32 બિલ કેવી રીતે રજૂ થશે.

સંસદના ચોમાસુ સત્રના પ્રારંભના એક દિવસ પહેલા સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધ પક્ષોના નેતાઓ માગણી કરી હતી કે સંસદમાં મોંઘવારી, અગ્નિપથ સ્કીમ, કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગના મુદ્દાની ચર્ચા કરવામાં આવે. વિપક્ષે બિનસંસદીય શબ્દોની નવી યાદી સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે વિપક્ષે એકસૂરે લશ્કરી દળોમાં ભરતી માટેની અગ્નિપથ સ્કીમ તાકીદે પાછી ખેંચી લેવાની માગણી કરી હતી. વિપક્ષે મોંઘવારી અને અર્થતંત્રની સ્થિતિ જેવા મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવાની પણ માગણી કરી હતી.

આ સર્વપક્ષીય બેઠકમાં મોટાભાગના વિપક્ષો હાજર રહ્યાં હતા. સરકાર તરફથી કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, રાજયસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસના નેતા જયરામ રમેશે સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરી સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.