ગુજરાતના 2002ના કોમી રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા લોકોને ક્લિનચીટ આપ્યા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિરોધીઓ દ્વારા તેમને ગુજરાતના ૨૦૦૨ના રમખાણોમાં રાજકીય બદઈરાદાથી સંડોવવાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે. આ પ્રક્રિયામાં સત્તા માટે કોંગ્રેસ કઈ હદ સુધી જઈ શકે છે એ આખા દેશો જોયું છે. સુપ્રીમ કોર્ટમાં સત્યની જીત થઈ છે ત્યારે હવે આ કેસનો કાયમી અંત હશે.

તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ૨૦૧૨માં જ નરેન્દ્રભાઈ મોદીને સંપૂર્ણ ક્લિનચિટ આપી હોવા છતાં આ વિષયને અલગ અલગ રીતે જીવિત રાખવા માટે આ કેસ કરવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટ તથા ગુજરાત હાઈકોર્ટે આ કેસ કાઢી નાખવા છતાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે સળંગ આઠ દિવસ સુધી કોર્ટ સમક્ષ દલીલ કરી હતી. જો કે કોર્ટે કડક શબ્દો સાથે આ પિટિશન કાઢી નાખી છે. આ નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં નવ વર્ષે સુપ્રીમ કોર્ટે ક્લિનચિટ આપી છે અને અગાઉ પણ અનેક કેસમાં નરેન્દ્રભાઈને ક્લીનચીટ મળી ચૂકી છે.

કોંગ્રેસ તથા વિરોધીઓએ નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવાના ષડયંત્રના ભાગરૂપે ૬૦થી વધુ તપાસ પંચ, સરકારી-બિનસરકારી સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય એનજીઓ અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પે.ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ તપાસ કર્યા બાદ અંતે પિટિશન રિજેક્ટ કરી છે. મોદી વિરોધી લોબીએ આટલા વર્ષો પછી પણ હજી તેમના રાજકીય પૂર્વગ્રહ પ્રેરિત કાવતરા ચાલુ રાખ્યા છે અને તેથી જ સુપ્રીમ કોર્ટે એવી ટિપ્પણી કરી છે કે, આ પ્રક્રિયાને ૧૬ વર્ષથી માત્ર વિષયને જીવતો રાખવા માટે કરવામાં આવી છે અને સ્પષ્ટ છે કે, તેનો હેતુ મલિન છે. કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ કરનારા તમામ લોકો કઠેડામાં હોવા જોઈએ અને તેમની ઉપર કાયદાકીય કામ ચલાવવું જોઈએ તેવા સુપ્રીમ કોર્ટના અવલોકનોને આવકાર્યા છે.