કેન્સરના ઝડપી નિદાન માટે ફાર્માસિસ્ટને દર્દીઓને સીધા નિષ્ણાતો પાસે મોકલવાની સત્તા આપવામાં આવી રહી છે. દર્દીઓમાં સતત ઉધરસ જેવા કેન્સરના લક્ષણો જોવા માટે એનએચએસ દ્વારા ઇંગ્લેન્ડમાં કેમિસ્ટ્સને ખાસ તાલીમ આપવામાં આવશે, જે અંતર્ગત તેઓ દર્દીઓને ટેસ્ટ અને સ્કેનિંગ માટે પણ મોકલી શકશે. દર્દીઓને સીધા જ હોસ્પિટલોમાં મોકલવાની મંજૂરી પ્રથમવાર જ ફાર્માસિસ્ટને આપવામાં આવી છે. અત્યારે દર્દીઓએ કેન્સરના લક્ષણોની વધુ તપાસ કરતા અગાઉ જીપી, નર્સ અથવા ડેન્ટિસ્ટ પાસેથી મંજૂરી મેળવવી જરૂરી છે. આ વર્ષના અંતમાં શરૂ થનારી પાયલોટ સ્કીમ, કોવિડનો સામનો કરવા માટેના અભિયાન અને 2028 સુધીમાં 75 ટકા કેન્સરનું વહેલું નિદાન કરવાના એનએચએસના લક્ષ્યાંકને પૂર્ણ કરવાનો એક ભાગ છે. અત્યારે 54 ટકા કેસમાં કેન્સરનું વહેલું નિદાન થાય છે. આ સ્કીમ અંતર્ગત દેશભરની સેંકડો ફાર્મસીઓ વધારાનું ભંડોળ અને તાલીમ મેળવવા માટે અરજી કરી શકશે. ફાર્મસીઓના કર્મચારીઓ હોસ્પિટલ ટ્રસ્ટ સાથે ભાગીદારીમાં કામ કરશે, અને જો પ્રયોગ શરૂઆતના નિદાન દરમાં સુધારો કરવા માટે અસરકારક જણાશે તો તેને પછી રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. એનએચએસનાં ચીફ એક્ઝિક્યુટિવ અમાંડા પ્રિચાર્ડ લિવરપૂલમાં આ અંગે આયોજન શરૂ કરી રહ્યા છે.