મહારાણી એલિઝાબેથ બીજા 70 વર્ષનું સુદિર્ઘ શાસન કરનારા બ્રિટનના સૌથી વધુ સમય સુધી રાજ કરનારા શાસક બન્યા છે. પરંતુ શું કદી તેઓ બ્રિટનની રાજગાદી છોડશે ખરા?

ઘણાં સમયથી એવા અનુમાનો ચાલી રહ્યા છે કે શું ક્વીન એલિઝાબેથ 70 વર્ષના શાસન બાદ રાજગાદી છોડી પુત્ર પ્રિન્સ ચાર્લ્સની તાજપોશી કરશે કે કેમ. જો કે, મોટા ભાગના લોકો માને છે કે એવા સંજોગો ઉભા થાય નહીં ત્યાં સુધી ફક્ત વયના કારણે કે બહુ લાંબો સમય શાસન કરવાના કારણે તેઓ દેશની સત્તાનો તાજ પોતાના માથેથી ઉતારવાની તરફેણમાં નથી. મહારાણીના કઝીન અને બાળપણની ફ્રેન્ડ માર્ગારેટ રહોડ્સ માને છે કે, તેમણે દેશને આપેલા વચનમાંથી ફરવાનું, સત્તા ત્યજવાનું રાણી ક્યારેય પસંદ કરશે નહીં.

રાણીએ 1952માં રાજગાદી સંભાળી તે પહેલા, પોતાના 21માં જન્મ દિને બ્રિટનને આપેલા સંદેશામાં એવું કહ્યું હતું કે, પોતાનુ સમગ્ર જીવન, તે ગમે તેટલું લાંબું હોય કે પછી ટુંકું, બ્રિટનની પ્રજા તથા આપણા મહાન શાહી પરિવારની સેવામાં સમર્પિત રહેશે. બ્રિટનના શાસક તરીકે રાણી ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના સુપ્રીમ ગવર્નર પણ છે.

આ અગાઉ તેમણે 63 વર્ષ 216 દિવસનો મહારાણી વિક્ટોરીઆનો રાણી તરીકેનો રેકોર્ડ તોડ્યો હતો. રાણી એલિઝાબેથ બીજાની સાથે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સના નામે પણ અનાયાસે એવો રેકોર્ડ નોંધાયો છે કે તેઓ સૌથી વધુ સમય માટે રાજગાદીના વારસદાર બનનાર પાટવી કુંવર બન્યા છે.