પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી પૂર્ણ કરતાં મહારાણીએ પરિવારની ત્રણેય પેઢીઓના રાજવીઓ સાથે બકિંગહામ પેલેસની વિખ્યાત બાલ્કનીમાં ઉપસ્થિત થયાં હતાં.

ઉજવણીમાં જોડાયેલા સૌ કોઇનો આભાર વ્યક્ત કરતા પત્રમાં જણાવ્યું હતું કે ‘’સમગ્ર યુકેમાં યોજાયેલી પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીથી હું નમ્ર છું અને તે મને ઊંડે સુધી સ્પર્શી છે. હું મારા પરિવારના સમર્થન સાથે રાણી તરીકે સેવા આપવા માટે પ્રતિબદ્ધ છું. મારું હૃદય તમારી સાથે છે.’’

મહારાણીએ નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’ચાર દિવસની ઉજવણી દરમિયાન જે દયા, આનંદ અને જોડાણ જોયું હતું તેનાથી હું પ્રેરિત થઈ હતી. ઘણા લોકો ઉજવણી કરવા શેરીઓમાં ઉતર્યા છે.

હું દરેક ઇવેન્ટમાં રૂબરૂ હાજર ન હોઉં, તો પણ મારું હૃદય તમારી સાથે છે; અને હું મારા પરિવાર દ્વારા સમર્થિત, મારી ક્ષમતા મુજબ તમારી સેવા કરવા માટે પ્રતિબદ્ધ છું. હું આશા રાખું છું કે એકતાની આ નવી ભાવના આવનારા ઘણા વર્ષો સુધી અનુભવવામાં આવશે. તમારી શુભકામનાઓ અને ખુશીની આ ઉજવણીમાં તમે જે ભૂમિકા ભજવી છે તેના માટે હું તમારો ખૂબ જ નિષ્ઠાપૂર્વક આભાર માનું છું.”