વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત પ્રવાસે હતા. તેમણે સવારે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત કેડીપી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ ઉદ્ધાટન સમારંભમાં જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં આરોગ્ય સેવા માટે ઉપયોગી બનશે. આટકોટમાં બનેલી આધુનિક હોસ્પિટલ લોકો માટે લાભદાયી બનશે. આઠ વર્ષ પહેલા તમે મને વિદાય આપી પરંતુ તમારો પ્રેમ વધતો જ જાય છે, તમારી આપેલી શિક્ષા અને સંસ્કારથી 8 વર્ષથી દેશ સેવા કરી રહ્યો છું. કોરોનાકાળમાં દરેક ભારતીયોને વિનામૂલ્યે વેક્સિન આપવાનું લક્ષ્ય હતું. નવનિર્મિત માતુશ્રી કેડીપી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થયો. જનતા જોડાય તો સેવાની શક્તિ વધી જાય છે. હવે લોકોને અત્યાધુનિક સારવાર અહીં જ મળશે. રાજકોટમાં એઈમ્સ, જામનગરમાં મેડિશન સેન્ટર અને આટકોટમાં આ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રમાં આરોગ્યનું હબ બનશે. ગુજરાતમાં પહેલા નવ મેડિકલ કોલેજો હતી અને અત્યારે 30 છે. હવે તો ગુજરાતી માતૃભાષામાં પણ MBBS થઈ શકે છે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં મેડિકલ માટે માત્ર 1100 બેઠકો જ હતી હવે આઠ હજાર બેઠકો છે. દરેક માતા-પિતાને તેમના સંતાનો ડોક્ટર બને તેવી ઈચ્છા હોય છે. આ સંબોધન દરમિયાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 2014 પહેલા ગુજરાતના પ્રોજેક્ટમાં માત્ર મોદી જ દેખાતા હતા. હવે અમારી સરકાર સુવિધાઓને દરેક નાગરિકો સુધી પહોંચાડવા માટે અભિયાન ચલાવી રહી છે. જ્યારે દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચાડવાનું લક્ષ્ય હોય છે ત્યારે ભેદભાવ પણ સમાપ્ત થઈ જાય છે. ભ્રષ્ટાચારનો કોઈ અવકાશ નથી. મોદીએ મોરબીના ટાઈલ્સ ઉદ્યોગનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મોરબીના ટાઈલ્સ ઉદ્યોગનો દેશમાં ડંકો વાગ્યો છે. મોદીએ આગળ કહ્યું કે, આયુષ્માન કાર્ડનો 50 લાખ લોકોને લાભ મળશે. માતા બહેનોને આયુષ્માન કાર્ડથી ફાયદો થશે.