પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

1984 પછી યુકેમાં પ્રથમ વખત આઠ લંડન બરોની ગટરના સેમ્પલ્સમાં પોલિયો વાઇરસ મળી આવ્યા બાદ સમગ્ર લંડનમાં વાયરસના ઝડપી ફેલાવાને રોકવાના પ્રયાસ તરીકે ગ્રેટર લંડનમાં રહેતા એકથી નવ વર્ષની વયના તમામ દસ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 10 લાખ બાળકોને વધારાની પોલિયો રસી આપવા આગામી ચાર અઠવાડિયામાં તેમના GP દ્વારા આમંત્રિત કરવામાં આવશે.

બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા, ટ્રાન્સમિશન ઘટાડવા અને સંભવિત જીવલેણ લકવાના કેસોને રોકવા માટે અભૂતપૂર્વ રસીકરણ અભિયાન શરૂ કરાઇ રહ્યું છે.

આઠ, 12 અને 16 અઠવાડિયાના બાળકોને નિયમિત NHS રસીકરણ કાર્યક્રમના ભાગ રૂપે પોલિઓની રસી આપવામાં આવે છે. અન્ય બૂસ્ટર ત્રણ અને 14 વર્ષની ઉંમરે ઓફર કરવામાં આવે છે. જેમણે પહેલેથી પોલિયો રસીકરણ કરાવ્યું હશે તેવા બાળકોને પણ રસી અપાશે.

પોલિયો ધરાવતા મોટાભાગના લોકોમાં લક્ષણો દેખાતા નથી, પરંતુ લગભગ 200 માંથી એક કેસમાં તે અચાનક લકવાનું કારણ બને છે જે મૃત્યુ તરફ દોરી શકે છે. જો કે લંડનમાં હજુ સુધી લકવોનો કોઈ કેસ નોંધાયો નથી.