Pramukhswami Maharaj was paternalistic and a true social reformer: Modi
(ANI Photo)

અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા. પ્રમુખસ્વામી મહારાજ એક વટવૃક્ષ સમાન હતા, તેમના ચરણોમાં બેસતાં જાણે જ્ઞાનના ભંડારની અનુભૂતિ થતી. મારા અંતરમનમાં સતત ચાલતી યાત્રામાં યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના સાનિધ્યથી પોતાની જાતને તામસીક જગતમાંથી બચાવીને કામ કરવાની તાકાત મળતી રહે છે.

આ મહાન વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે રાજસી પણ બનવુ નથી, તામસી પણ બનવાનું નથી, સાત્વિક બનીને ચાલતા રહેવાનું છે. મોદીએ પ્રમુખસ્વામીને એક સાચા અદ્વૈત સમાજ સુધારક ગણાવ્યા હતા.
‘સૌને જય સ્વામિનારાયણ’ કહીને મોદીએ સંબોધનમાં કહ્યું કે, અહીં એક દિવ્યતાની અનુભૂતિ છે. અહીં સંકલ્પોની ભવ્યતા છે, અબાલ વૃદ્ધ બધા માટે ભારતની ભવ્ય વિરાસત, ધરોહર શું છે, આસ્થા, આધ્યાત્મ, ધર્મ, પરંપરા, સંસ્કૃતિ, પ્રકૃતિ શું છે એ બધું જ એક પરિસરમાં સમાવાયું છે અહીં ભારતના દરેક રંગ દેખાય છે.’ તેમણે આ કલ્પના, આયોજન અને તેને ચરિતાર્થ કરવા માટે પુરુષાર્થ કરનાર સૌ પૂજ્ય સંતગણ, સ્વયંસેવકોની ચરણવંદના કરવા સાથે સમગ્ર મહોત્સવને હૃદયથી સફળતાની શુભકામના પાઠવી હતી.

વડાપ્રધાને જણાવ્યું હતું કે મહંત સ્વામીના આશીર્વાદથી આટલુ વિશાળ ભવ્ય આયોજન, દેશ અને દુનિયાને આકર્ષિત કરશે. એટલું જ નહીં, વિશ્વને પ્રભાવિત કરશે. આવનારી પેઢીને પ્રેરિત કરશે,’ ૧૫ જાન્યુઆરી સુધી દુનિયાભરમાંથી લાખો લોકો મારા પિતાતુલ્ય પ્રમુખસ્વામી પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરવા અહીં આવશે. આપમાંથી ઘણાંને ખબર હશે કે યુએનમાં પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવ મનાવાયો. આ સબૂત છે કે એમના વિચાર કેટલા શાશ્વત હતા, સાર્વભૌમિક છે જે આપણી મહાન પરંપરા છે. સંતો દ્વારા પ્રસ્થાપિત પરંપરાને વેદથી વિવેકાનંદની ધારાને પ્રમુખસ્વામી જેવા સંતોએ આગળ વધારી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને શતાબ્દીક સમારોહમાં દર્શન થઇ રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ એક સાચા સમાજ સુધારક હોવાનું ભારપૂર્વક જણાવીને મોદીએ કહ્યું હતું કે અબ્દુલ કલામ જેવા વિજ્ઞાનીઓ પણ એમને મળતા, સંતો ઉપરાંત સામાન્ય લોકો પણ એમને મળતા, દરેકને એમની પાસેથી કંઇક મળતુ, સંતોષ મળતો. એ એમના વ્યક્તિત્વની વ્યાપકતા હતી, ઊંડાઇ હતી. એક આધ્યાત્મિક સંતના નાતે તો એમના વિશે ઘણું કહી શકાય, પરંતુ મારા મનમાં હંમેશા તેઓ એક સાચા અદ્વૈત સમાજ સુધારક હતા, એક રિફોર્મિસ્ટ હતા. તેઓ એક એવો તાર હતા જેમાં મોતી, મણકા ભલે ગમે તે હોય, પરંતુ એ દરેકને એક તાંતણે બાંધી શકતા હતા. તેમણે હંમેશા માનવીની અંદરની અચ્છાઇને જ સમર્થન કરતાં. એ માનતા કે અચ્છાઇને બહાર લાવવાથી અંદરની બુરાઇ આપોઆપ ખતમ થઇ જાય છે. આ રીતે તેમણે માનવીને પરિવર્તિત કરવાનો, સંસ્કારી બનાવવાનું માધ્યમ બનાવ્યું. તેમણે સદીઓ પૂરાની ઊંચ નીચની બુરાઇઓને ખતમ કરવા પરિશ્રમ કર્યો હતો.

વડાપ્રધાને કહ્યું કે, બાલ્યકાળથી મને સંતો, અધ્યાત્મ પ્રત્યે આકર્ષણ રહ્યું. પ્રમુખસ્વામીના દૂરથી દર્શન એ વખતે કરતો હતો, ત્યારે કલ્પના ન હતી કે એમની નજીક જઇ શકીશ. પરંતુ એ વખતે સારું લાગતું હતું. વર્ષો પછી ૧૯૮૧માં પહેલી વખત પ્રમુખસ્વામી મહારાજ સાથે એકલા જ સત્સંગ કરવાનો મોકો મળ્યો હતો. અમારી ચર્ચા માનવ સેવા પર કેન્દ્રીત રહી. એમના એક એક શબ્દો મારા હૃદય પટલ પર અંકિત થતાં ગયાં.

બાપા મદદ માટે હંમેશા તત્પર રહેતા

પ્રમુખસ્વામી મહારાજ હંમેશા સૌની મદદ કરવા માટે તત્પર રહેતા હતા. આધુનિકતાના સપનાને આગળ વધારવા સાથે ઊંચ નીચના ભેદભાવને ખતમ કર્યા. દરેક બાબતોમાં એમનો વ્યક્તિગત સ્પર્શ રહેતો, એના કારણે સૌની મદદ કરવા, સામાન્ય કે પડકારમય પરિસ્થિતિ હોય, સ્વામીએ સમાજ હિત માટે સંતો, ભક્તોને પ્રેરિત કર્યા. મોરબી ડેમની દુર્ઘટનાનો પ્રસંગ પણ તેમણે આ તકે યાદ કર્યો હતો એ જ રીતે ૨૦૦૧ના કચ્છ ભૂકંપ વેળાએ કરેલી મદદને પણ તાજી કરી હતી.

પૂજ્ય પ્રમુખસ્વામીએ શરૂ કરેલી પરંપરા મહંત સ્વામીએ આગળ ધપાવી

વડાપ્રધાને પ્રમુખસ્વામી સાથેના ગાઢ સંબંધોને જાહેર કરતાં કહ્યું કે, ૨૦૦૨થી લઇ કાશી સુધી દરેક ચૂંટણીમાં એમના પેન રૂપે આશીર્વાદ મળતા. કાશીમાં તો આશ્ચર્યની બાબત એ હતી કે મને મોકલેલી પેન ભાજપના ધ્વજના રંગની હતી. ઢાંકણું લીલા અને બાકીનો ભાગ કેસરી હતો. 40 વર્ષથી પ્રમુખસ્વામી દર વર્ષે મને એક જોડી કુર્તો, પાયજામાનું કપડું મોકલતા અને હવે મહંત સ્વામીએ એ પરંપરા જાળવી રાખી છે.

વડાપ્રધાન મોદીએ પોતાની જાતને એક સ્વયંસેવક ગણાવીને કહ્યું કે, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ નવી પેઢી માટે પ્રેરણાનું કારણ બનશે. નવી પેઢીને કોણ જાણે કેમ મનમાં શું ભરાયું છે પરંતુ સંતોના પરિશ્રમને એમણે જાણવો પડશે. પ્રમુખસ્વામી મહારાજે આધુનિકતાને આધ્યાત્મ સાથે જોડીને સંત પરંપરા, મંદિર પરંપરાને આગળ વધારી છે. પોતે સારંગપુરમાં રહીને એક સંત તાલીમ સંસ્થા ઊભી કરી. જ્યાં આધ્યાત્મ સાથે અંગ્રેજી સંસ્કૃત જેવી ભાષા, વિજ્ઞાનની સમજ આપવામાં આવે છે. અનેક અખાડાને હું આ સંસ્થાની મુલાકાત લેવા સૂચન કરું છું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં. (ANI ફોટો). (ANI Photo)

(ANI Photo)

 

 

LEAVE A REPLY

five × one =