પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત અને વિશ્વભરમાં વંચિત બાળકો માટે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા કાર્યરત સંસ્થા ‘પ્રથમ’નું 2021નું ઇન્દિરા ગાંધી શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કારથી સન્માન કરાયું છે. ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી એસ ઠાકુરના વડપણ હેઠળની ઇન્ટરનેશનલ જ્યૂરીએ આ એવોર્ડની જાહેરાત કરી હતી. છેલ્લાં 25 વર્ષથી વિવિધ પ્રોગ્રામ મારફત વંચિત બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ માટે કામગીરી કરવા બદલ આ સંસ્થાને 2021નો આ પ્રતિષ્ઠિત એવોર્ડ અપાયો છે.

ડો. માધવ ચવાણ અને ફરિદા લામ્બે દ્વારા મુંબઈમાં 1995માં સ્થાપવામાં આવેલી ‘પ્રથમ’ દ્વારા એ માન્યતા સાકાર કરાઈ છે કે દરેક બાળક સ્કૂલમાં હોવું જોઇએ અને તેમને શિક્ષણ મળવું જોઇએ. આ સંસ્થાએ સમુદાય આધારિત બાલવાડીની સ્થાપના કરીને મુંબઈની ઝુંપડપટ્ટીમાં સેવાકાર્યનો પ્રારંભ કર્યો હતો. હાલમાં આ સંસ્થા વાર્ષિક ધોરણે સીધી રીતે સરેરાશ એક મિલિયન બાળકો અને સરકારની ભાગીદારી સાથે 5 મિલિયન બાળકોને અભ્યાસમાં મદદ કરે છે.

ભારતના ગ્રામીણ વિસ્તારોના આશરે 600,000 બાળકોના સરવે આધારિત તેના ‘એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રીપોર્ટ’ (ASER)નો વિશ્વના 14 દેશોમાં શિક્ષણના તારણો અને અધ્યયનમાં ખામીની ચકાસણી કરવા માટે એક મોડલ તરીકે ઉપયોગ થાય છે. આ રીપોર્ટને આધારે ‘પ્રથમ’એ 2007માં રીડ ઇન્ડિયા નામનો મુખ્ય પ્રોગ્રામ ચાલુ કર્યો હતો. તેનો હેતુ પાયાના શિક્ષણ અને ગણિતને મજબૂત બનાવીને બાળકોના શિક્ષણમાં સુધારો કરવાનો છે. કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન ‘પ્રથમ’એ બાળકોમાં અભ્યાસ ચાલુ કરવા માટે કમ્યુનિટી આધારિત વિવિધ પહેલ કરી હતી.

બાળકને ગુણવત્તાસભર શિક્ષણ સુનિશ્ચિત કરવા, શિક્ષણ માટે ડિજિટલ ટેકનોલોજીના ઇનોવેટિવ ઉપયોગ, પુખ્તવયના બાળકો માટે કૌશલ્યવર્ધનના પ્રોગ્રામ, શિક્ષણની ગુણવત્તાની નિયમિત ચકાસણી અને કોરોના મહામારી સંબંધિત લોક-ડાઉન દરમિયાન બાળકો માટે શિક્ષણની કામગીરી ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા બદલ ‘પ્રથમ’નું સન્માન કરાયું છે.