બ્રિટન હોમ સેક્રેટરી પ્રીતિ પટલે 5 ઓક્ટોબર 2021ના રોજ માન્ચેસ્ટરમાં હાલમાં ચાલી રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક સભામાં સંબોધન કર્યું હતું.(Photo by Ian Forsyth/Getty Images)

બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગુરુવારે ગુનાઓમાં ઘટાડો કરવા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે. હાઇવે પરના વાહનવ્યવહારને ખોરવી નાંખતા દેખાવકારો સામે આકરી પેનલ્ટી, મહિલાઓ સામેના ગુના માટે આકરા પગલાં અને ગુનેગારોના ડ્રગ્સ ટેસ્ટિંગમાં વધારો સહિતના પગલાંની જાહેરાત કરવામાં આવી છે.

માન્ચેસ્ટરમાં હાલમાં ચાલી રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક સભામાં પોતાના પ્રવચનમાં ભારતીય મૂળના સિનિયર કેબિનેટ પ્રધાને બ્રેક્ઝિટ પછી પોઇન્ટ્સ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમની પ્રગતિને પણ હાઇલાઇટ કરી હતી. તેમણે ગયા વર્ષે આ સિસ્ટમ લોન્ચ કરી હતી.

પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે “આ કન્ઝર્વેટિવ સરકાર ગુનામાં ઘટાડો કરવા અને માર્ગોને વધુ સુરક્ષિત બનાવવા જરૂરી આકરા પગલાં લઈ રહી છે. તેથી આજે જાહેરાત કરું છું કે હું મોટરવે ખોરવી નાંખવા બદલ મહત્તમ પેનલ્ટીમાં વધારો કરીશ તથા રોડ, રેલવે અને અને આપણા મુક્ત પ્રેસ જેવા મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દખલગીરીને ગુનાહિત કૃત્ય ગણીશ અને ગુનેગારોનો સામનો કરવા પોલીસ અને કોર્ટને વધુ સત્તા આપીશ. આ ગુનેગારો સમગ્ર દેશમાં ફરીને આપણા સમુદાયને મુશ્કેલીમાં મુકે છે.

તાજેતરમાં દિવસોમાં ક્લાઇમેટ પ્રોટેસ્ટર્સ દ્વારા મહત્ત્વના મોટરવે બ્લોક કરવામાં આવ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે. લંડનમાં રાત્રે ચાલીને ઘરે જતી 33 વર્ષની મહિલના રેપ અને હત્યા માટે તાજેતરમાં સ્કોટલેન્ડ યાર્ડના ઓફિસરને સજાના મુદ્દે પ્રીતિ પટેલે પોલીસ ફોર્સમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની સ્વતંત્ર દેખરેખ માટે ઇન્ક્વાયરીને પુષ્ટી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે “હું હોમ સેક્રેટરી અને એક મહિલા તરીકે કહું છું કે મહિલાઓ અને યુવતીઓ સામે આવા અપરાધ અને કૃત્યોનું આપણા સમાજમાં કોઇ સ્થાન નથી. તેથી મહિલાઓ અને યુવતીઓ સુરક્ષા અનુભવે તે માટે મે મારા પ્રયાસો બમણા કર્યાં છે.

દેશની નવી વીઝા અને ઇમિગ્રેશન સિસ્ટમ અંગે 49 વર્ષીય ગુજરાતી મૂળના રાજકીય નેતાએ યુરોપિયન યુનિયન સાથે લોકોની મુક્ત અવરજવરની સમાપ્તિને આવકારી હતી. તેમણે જણાવ્યું હતું કે “આપણે આખરે ફ્રી મુવમેન્ટને સમાપ્ત કરી છે. આપણી નવી પોઇન્ટ્સ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમનો અમલ થયો છે, જે પાસપોર્ટના કલરના આધારે નહીં, પરંતુ લોકોની સ્કીલને આધારે આપણા દેશમાં લોકોને આવકારે છે. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક સભા બુધવાર સુધી ચાલું રહેશે.