બ્રિટનના હોમ મિનીસ્ટર પ્રીતિ પટેલ (ફાઇલ ફોટો ) (Photo by MATT DUNHAM/POOL/AFP via Getty Images)

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ કર્મચારીઓના બુલીઇંગ માટે દોષિત નથી એવો બચાવ કરનાર વડાપ્રધાન બોરિસ જૉન્સનને આવતા અઠવાડિયે હાઈકોર્ટમાં પડકારનો સામનો કરવો પડે તેમ છે. હાઈકોર્ટ આવતા સપ્તાહે બુધવારે અને ગુરૂવારે વડાપ્રધાનના નિર્ણયની ન્યાયિક સમીક્ષા હાથ ધરશે. હોમ ઓફિસના કર્મચારીઓ પ્રત્યે પ્રીતિ પટેલના વર્તન અંગેના 2020ના અહેવાલ પછી વડા પ્રધાને શ્રીમતી પટેલને નોકરીમાંથી બરતરફ નહિં કરવાનું પસંદ કર્યું હતું.

પરંતુ FDA સિનિયર સિવિલ સર્વન્ટ્સ યુનિયન કોર્ટમાં દલીલ કરવા તૈયાર છે કે શ્રીમતી પટેલ દ્વારા બુલીઇંગ કરાયું હોવાના “સ્પષ્ટ પુરાવા” હતા. હોમ ઓફિસે આ કેસ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ગયા વર્ષે નવેમ્બરમાં, જૉન્સનના તે સમયના હેડ ઑફ સ્ટાન્ડર્ડ સર એલેક્સ એલન દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે શ્રીમતી પટેલે “અજાણપણે” મિનિસ્ટરીયલ કોડનો ભંગ કર્યો હતો. પરંતુ મિનિસ્ટરીયલ કોડની દેખરેખ રાખાતા વડા પ્રધાને શ્રીમતી પટેલને પદ પર ચાલુ રાખ્યા હતા અને કહ્યું કે તે “બુલી” નથી. આ નિર્ણય બાદ સર એલેક્સે રાજીનામું આપ્યું હતું. સરકાર દલીલ કરે છે કે મિનિસ્ટરીયલ કોડની એક ચૂંટાયેલા રાજકારણી દ્વારા દેખરેખ રાખવામાં આવે છે – તે કોર્ટથી અલગ છે અને રહેવું જોઈએ.

યુનિયનના જનરલ સેક્રેટરી, ડેવ પેનમેને કહ્યું હતું કે “સિવિલ સર્વન્ટ્સ બુલીઇંગ અથવા હેરાન થવાના ભય વિના મંત્રીઓ સાથે કામ કરી શકે તેવી અપેક્ષા રાખવી જોઈએ. વડાપ્રધાનની એ સુનિશ્ચિત કરવાની ફરજ છે.