ANI Photo)

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પછી તેમના પુત્રી પ્રિયંકા ગાંધી પણ શુક્રવાર (3 જૂન)ને કોરોના પોઝિટિવ આવ્યાં હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હળવા લક્ષણો સાથે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી તેમણે પોતાને ક્વોરન્ટિન કરી લીધા છે. પ્રિયંકા ગાંધીએ એ લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે વિનંતી કરી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા.

નોંધનીય છે કે આ પહેલા ગુરુવારે સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ આવ્યા હતા, અને હવે તેમના દીકરી પ્રિયંકા ગાંધી પોઝિટિવ આવતા તેમણે પોતાનો લખનૌ પ્રવાસ વચ્ચેથી અધૂરો છોડવો પડ્યો છે. પ્રિયંકા ગાંધી પરત દિલ્હી આવી ગયા છે. તેઓ નવ સંકલ્પ શિબિરમાં ભાગ લેવા માટે બે દિવસના લખનૌ પ્રવાસ પણ પહોંચ્યા હતા. તેમને ગંભીર લક્ષણો ના દેખાયા હોવાથી સ્થિતિ કાબૂમાં છે.

પ્રિયંકા ગાંધી કોરોના પોઝિટિવ આવતા તેમણે જણાવ્યું છે કે તેઓ તમામ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે અને હાલ તેઓ ક્વોરન્ટિન થયા છે. તેમણે પોતાના સપર્કમાં આવેલા લોકોને પણ જરુરી પગલા ભરવા માટે જણાવ્યું છે.
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં લગભગ ત્રણ મહિના જેટલો સમય વિત્યા પછી મોટો ઉછાળો આવ્યો છે. દેશમાં 3 જૂને કોરોનાના વધુ 4,041 કેસ નોંધાયા હતા અને 10 દર્દીઓના મોત થયા હતા.