પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી તમામ માતાપિતા માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 16 વર્ષના એક છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી નાખી છે અને ત્રણ દિવસ લાશ છુપાવી રાખીને સામાન્ય જીવન જીવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે છોકરાને તેની માતાએ પબજી ગેમ રમવાથી રોક્યો હતો. જે બાદ તેણે પિતાની પિસ્તોલથી ગોળી મારીને માતાની ગોળી હત્યા કરી નાખી હતી.

ત્રણ દિવસ સુધી તેણે પોતાની માતાના મૃતદેહને ઘરમાં જ છુપાવીને રાખ્યો હતો. હત્યા બાદ તે જ રાત્રે પુત્રએ તેની 10 વર્ષની બહેન સાથે ઘરમાં જ રાત વિતાવી હતી. બીજા દિવસે એટલે કે રવિવારે બહેનને ઘરમાં બંધ કરીને મિત્રના ઘરે ગયો હતો. રાત્રે એક મિત્રને સાથે લાવ્યો હતો અને ઓનલાઈન ઓર્ડર કરીને ખાવાનું મંગાવ્યું હતું. રાત્રિભોજન પછી લેપટોપ પર મૂવી પણ માણી હતી. છોકરાના પિતા નવીન કુમાર સિંહ મૂળ વારાણસીના રહેવાસી છે અને આર્મીમાં જુનિયર કમિશન્ડ ઓફિસર છે. તેમનું લખનૌના પીજીઆઈ વિસ્તારમાં યમુનાપુરમ કોલોનીમાં ઘર છે. અહીં તેમની પત્ની સાધના (40 વર્ષ) તેમના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રી સાથે રહેતા હતા. પુત્રએ મંગળવારે રાત્રે તેના પિતા નવીનને વીડિયો કોલ કરીને જણાવ્યું હતું કે તેણે માતાની હત્યા કરી દીધી છે.

પોલીસના જણાવ્યા  અનુસાર પુત્રને મોબાઈલ પર ગેમ રમવાની આદત હતી, પરંતુ સાધના તેને ગેમ રમવાથી રોકતી હતી. શનિવારે રાત્રે પણ તેણે પુત્રને ગેમ રમતા રોક્યો હતો જેનાથી તે ગુસ્સે ભરાયો હતો. રાત્રે લગભગ 2 વાગ્યે જ્યારે સાધના ગાઢ નિંદ્રામાં હતી ત્યારે તેણે કબાટમાંથી પિતાની પિસ્તોલ કાઢીને માતાની હત્યા કરી નાખી હતી. એ પછી બહેનને ધમકી આપીને તે જ રૂમમાં બંધ કરી દીધી હતી. પોલીસના દાવા અનુસાર યુવકે બહેનની સામે જ માતાને ગોળી મારી હતી. આ કારણે તે એટલી બધી ગભરાઈ ગઈ હતી કે તેના ભાઈના કહેવાથી તે તેની માતાના શબ સાથે સૂઈ ગઈ હતી.