પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રિઝલ્ટ બુધવાર, 17 ફેબ્રુઆરીએ આવ્યા હતા, જેમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. પટિયાલા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર બલજિંદર કૌર રિન્કી મ્યુનિસિપલ ચૂંટણીમાં વિજયની ઉજવણી કરી રહ્યાં છે. (PTI Photo)

પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો જવલંત વિજય થયો હતો. બુધવારે, 27 ફેબ્રુઆરીએ જાહેર થયેલા પરિણામો મુજબ રાજ્યની સાત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસે મોગા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, પઠાનકોટ, બટાલા અને ભટિંડા મહાનગરપાલિકા જીતી લીધી હતી. ભટિંડા નગર નિગમમાં 53 વર્ષ બાદ કોંગ્રેસ સત્તામાં આવી છે. મોગામાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી, કોંગ્રેસ પક્ષને સૌથી વધુ બેઠકો મળી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શિરોમણી અકાલી દળ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સફળતા મળી ન હતી. પંજાબની 109 નગરપાલિકા, નગર પંચાયત અને 7 મહાનગરપાલિકા માટે ચૂંટણી 14 ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને આશરે 70 ટકા મતદાન થયું હતું. કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાને લઈને રાજ્યમાં ખેડુતોના આંદોલન વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી. મજિઠિયા મહાનગરપાલિકાની 13માંથી 10 સીટો શિરોમણી અકાલી દળે જીતી હતી. 109 નગરપંચાયત અને મ્યુનિસિલ કાઉન્સિલની મતગણતરી ચાલુ હતી.