ન્યૂયોર્કના ક્વીન્સની રહેવાસી અને ગુયાનાની નાગરિક 52 વર્ષીય જ્હાનાન્ની સિંઘ જે જાસ્મિન અને શર્મલા પર્સોદના નામે ઓળખાય છે તેને 28 નવેમ્બરે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા નાણાની ચોરી કરવાના કેસમાં 57 મહિનાની જેલ સજા ફટકારવામાં આવી છે. એક વૃદ્ધ મહિલાએ તેના પૌત્રો અને અન્ય પરિજનો માટે ખરીદેલા અમેરિકન સેવિંગ્સ બોન્ડ્સ અને તેના હજ્જારો ડોલરની ચોરી હોમ હેલ્થ એઇડ તરીકે કાર્યરત જાસ્મિને કરી હતી અને તેમાં તે દોષિત ઠરી હતી. તેને સજા અંગેની જાહેરાત 28 નવેમ્બરે કનેક્ટિક્ટ ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની વાનેસ્સા રોબર્ટ્સ એવરીએ કરી હતી. આ વૃદ્ધાના મૃત્યુ પછી સિંઘે ચોરેલા આ બોન્ડ્સના નાણા મેળવવા માટે નિકના નામથી જાણીતા ગ્લેન કેમ્પબેલનો સંપર્ક કર્યો હતો. તપાસકર્તાઓએ ગુપ્ત તપાસના ભાગરૂપે તે બંને પાસેથી ઓક્ટોબર 2020 અને જાન્યુઆરી 2021 દરમિયાન 100થી વધુ સેવિંગ્સ બોન્ડ્સ ખરીદ્યા હતા. કેમ્પબેલે આ નાણાકીય વ્યવહારો પાર પાડવા માટે કનેક્ટિકટનો પ્રવાસ કર્યો હતો.

અંતે 29 જાન્યુઆરી, 2021ના રોજ તે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે આ બોન્ડસની કિંમત 287,312.39 ડોલર હતી. જુન-જુલાઇ 2021માં સિંઘે તપાસમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો અને કાર્યવાહીમાં સાક્ષીને ખોટી જુબાની આપવા માટે નાણા ચૂકવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. 19 ઓગસ્ટ 2022ના રોજ જાસ્મિન ષડયંત્ર ઘડવાના ગુનામાં દોષિત ઠરી હતી. જ્યારે કેમ્પબેલ પણ આ જ ગુનામાં દોષિત ઠર્યો હતો અને તેની સજા જાહેર થવાની બાકી છે. જ્યારે જાસ્મિનની જેલ સજા પૂર્ણ થશે ત્યારે તેને ઇમિગ્રેશનની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

LEAVE A REPLY

9 − six =