મહંમદ પયગંબર સાહેબ અંગેની ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીના વિરુદ્ધમાં મુસ્લિમોએ શુક્રવારની નમાઝ પછી ઢાકામાં ભારે વિરોધ પ્રદર્શનો કર્યા હતા REUTERS/Mohammad Ponir Hossain

પયગંબર વિવાદને પગલે શુક્રવારની નમાઝ પછી મુસ્લિમોના ટોળાએ આચરેલી હિંસામાં રાંચીમાં બે વ્યક્તિના મોત થયા હતા અને સુરક્ષા જવાનો સહિત 24 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી ત્રણની હાલત હજુ ગંભીર છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ મુજબ બંનેના મોત ગોળી વાગવાથી થયા હતા, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું. રાંચીમાં પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે અને સમગ્ર જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. હાલમાં સ્થિતિ અંકુશ હેઠળ છે. આ હિંસાના વિરોધમાં કેટલાંક હિન્દુ સંગઠનોએ શનિવારે રાંચી બંધનું એલાન આપ્યું હતું. બીજી તરફ દિલ્હીમાં જામા મસ્જિદની બહાર શુક્રવારની નમાઝ બાદ થયેલા તોફાનોના સંદર્ભમાં દિલ્હી પોલીસે એફઆઇઆર દાખલ કરી છે.

હાવડા, મુર્શિદાબાદમાં ઇન્ટરનેટ બંધ કરાયું, કેન્દ્રીય દળોની BJPની માગણી

પયગંબર વિવાદને પગલે મુસ્લિમોના ટોળાએ શુક્રવારે મચાવેલા ઉત્પાતને પગલે પશ્ચિમ બંગાળ સરકારે મુર્શિદાબાદ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં 14 જૂન સુધી ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી છે. સરકારે હાવડા જિલ્લામાં પણ 13 જૂન સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદ સૌમિત્ર ખાને હિંસાગ્રસ્ત હાવડા જિલ્લામાં તાકીદે કેન્દ્રીયદળો તૈનાત કરવાની માગણી સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને એક પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરાકેર રાજકીય હિતોને ધ્યાનમાં લઈને હિંસા ફેલાવી છે અને તે કાયદો અને વ્યવસ્થાની જાળવીમાં નિષ્ફળ રહી છે. રાજ્ય સરકારે મુસ્લિમોના ટોળાને હિંસા ફેલાવવાની મંજૂરી આપી હતી અને તેનાથી ભયનો માહોલ ઊભો થયો હતો.