પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને બુધવારે જણાવ્યું હતું કે હાલ અસ્તિત્વ ધરાવતી મોટાભાગની ક્રિપ્ટોકરન્સી થોડા સમયમાં લુપ્ત થઈ જશે. રાજનનું માનવું છે કે, હાલ છ હજાર જેટલી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં છે, જેમાંથી માંડ એકાદ-બે જ પોતાનું અસ્તિત્વ જાળવી શકશે. એક ઈન્ટર્વ્યુમાં અર્થશાસ્ત્રી રાજને કહ્યું હતું કે કોઈ વસ્તુ માત્ર મોંઘી હોવાના કારણે જ તેનું મૂલ્ય વધારે હોય તો સમજી લેવું કે તેનો ફુગ્ગો ગમે ત્યારે ફુટી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક કોઈન્સ માત્ર એટલા માટે જ વેલ્યૂ ધરાવે છે કે કેટલાક મૂર્ખ તેમાં રોકાણ કરવા તૈયાર બેઠા હોય છે.

રઘુરામ રાજનનું કહેવું છે કે, ક્રિપ્ટોકરન્સી પણ ચીટ ફંડ્સ જેવી સમસ્યાઓ સર્જી શકે છે. ચીટ ફંડ્સ લોકો પાસેથી રુપિયા ઉઘરાવે છે અને એક દિવસ તેમનો ફુગ્ગો ફુટી જાય છે. ક્રિપ્ટો એસેટ્સ ધરાવતા ઘણા લોકો સરકારના આ વર્તનથી નારાજ હશે. તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના ક્રિપ્ટોમાં કોઈ પરમેનન્ટ વેલ્યૂ નથી, પરંતુ કેટલીક ક્રિપ્ટોકરન્સી ક્રોસ-બોર્ડર પેમેન્ટને સરળ બનાવવાનો હેતુ સારી રીતે પૂરો પાડતી હોવાથી તે કદાચ ટકી જાય. બ્લોકચેઈન ટેક્નોલોજી પર તેમણે જણાવ્યું હતું કે સરકારે તેને વધુ સુદ્રઢ બનાવવા પ્રયાસ કરવા જોઈએ. સરકાર ક્રિપ્ટોને નિયમિત કરવા માટે કોઈ વચલો રસ્તો શોધી રહી છે, અને આ અંગે કોઈ ખરડો શિયાળુ સત્રમાં આવી શકે છે. દેશની મધ્યસ્થ બેન્કે પણ અગાઉ ક્રિપ્ટો સામે ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો હતો. તેના ગવર્નર શક્તિકાંત દાસે તો ક્રિપ્ટોકરન્સીને આર્થિક સ્થિરતા સામે જોખમ પણ ગણાવી દીધી હતી.