Rahul Gandhi
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ફાઇલ ફોટો (Photo by Atul Loke/Getty Images)

ભારતની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે. તેમ છતાં રાહુલ ગાંધીની ચૂંટણી લડવાની આનાકાની વચ્ચે વિમાસણની સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી કે 21 થી 20 સપ્ટેમ્બર વચ્ચે સંગઠનની ચૂંટણી યોજાશે, પરંતુ અનેક નેતાઓની કોશિશ છતાં રાહુલ ગાંધીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. કોંગ્રેસના સિનિયર નેતાઓ હમણાં સુધી રાહુલ ગાંધીને અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માટે મનાવવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે ચૂંટણીમાં વિલંબ થઈ શકે છે. 

રાહુલ ગાંધીએ પણ હજુ સુધી પોતે ચૂંટણી લડશે કે નહીં, તેને લઈને કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. આ બાબતે કોઈ જવાબ નહીં મળવાને લીધે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી નથી, આ બેઠકમાં ચૂંટણીની તારીખ નક્કી થવાની હતી. બીજી તરફ, કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે એ સમય પર અધ્યક્ષ પદની ચૂંટણી કરાવવા તૈયાર છે. અહીંયા નોંધવું રહ્યું કે, અનેક રાજ્યોમાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી.