વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી 31 ડિસેમ્બર 2020ના રોજ વિડિયો કોન્ફરન્સ મારફત રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)નું ભૂમિપૂજન કર્યું હતું,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS, રાજકોટ)નું ગુરુવારે વિડિયો કોન્ફરન્સ મારફત ખાતમુહુર્ત કર્યું હતું. AIIMS રાજકોટ દેશની 16મી અને ગુજરાતની પ્રથમ AIIMS હશે. આ પ્રસંગે ગુજરાતના ગવર્નર, ગુજરાતના મુખ્યપ્રધાન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.

રાજકોટમાં AIIMSના નિર્માણ માટે કુલ 201 એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. આશરે રૂ.1195ના ખર્ચ સાથે 2022ના મધ્ય ભાગ સુધીમાં નિર્માણ કાર્ય પૂરું થવાની ધારણા છે. 750 બેડની આ અત્યાધુનિક હોસ્પિટલમાં 30 બેડનો આયુષ બ્લોક હશે. તેમાં એમબીબીએસની 125 બેઠકો અને નર્સિંગની 60 બેઠકો હશે. એઇમ્સ હોસ્પિટલના સ્પેશિયાલિટી વિભાગમાં 120 બેડ રહેશે, જેમાં જનરલ સર્જરીના 60 બેડ, ઓર્થોપેડિકસના 30, આંખના વિભાગના 15, નાકની સારવાર માટે 15 બેડ ઉપલબ્ધ રહેશે.

ભારતમાં હાલ કુલ 15 AIIMS છે. AIIMS રાજકોટ દેશની 16મી અને ગુજરાતની પ્રથમ AIIMS હશે. 2025 સુધીમાં દેશમાં નવી આઠ AIIMS કાર્યરત થવાની ધારણા છે. ખાતમુહુર્ત કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સાંસદ સી આર પાટીલ, રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક, રાજકોટ સાંસદ મોહન કુંડારીયા, જામનગર સાંસદ પૂનમ માડમ, કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસામા, જયેશ રાદડિયા અને કુંવરજી સહિત 600થી વધુ નેતાઓ હાજર રહ્યાં હતું.

દવાઇ ભી ઓર કડાઈ ભીઃ વડાપ્રધાનનો મંત્ર

આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે અગાઉ મે કહ્યું હતું કે દવાઈ નહીં તો ઢિલાઈ નહીં. હવે હું કહું છે કે દવાઇ ભી ઓર કડાઈ ભી. કોરોના માટે વેક્સિનની તૈયારી અંતિમ ચરણમાં ચાલી રહી છે. ગુજરાત કોરોના સામે સારી રીતે લડી રહ્યું છે. એઇમ્સથી રાજકોટમાં રોજગારીની પાંચ હજાર તક ઉભી થશે. મેડિકલ સુવિધા સાથે દરેક રોજગારી અહીંયા ઉભી થશે. 2003માં 6 નવી એઇમ્સ હોસ્પિટલ માટે જાહેરાત કરવામાં આવી હતી. હેલ્થ વિભાવ અલગ અલગ દિશામાં કામ કરી રહ્યું છે. આધુનિક સુવિધા મળી રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ટુંક સમયમાં દોઢ લાખ હેલ્થ કેર સેન્ટર શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અંદાજીત 5 હજાર સેન્ટર ચાલુ છે. હાલ દેશમાં 7 હજાર જન ઔષધિ કેન્દ્ર ગરીબોને દવા પુરી પાડે છે. 30 હજાર કરોડ રૂપિયાથી દેશના ગરીબોએ નિઃશુલ્ક સારવાર સારી હોસ્પિટલમાં કરાવી છે.

ગુજરાતમાં એઇમ્સની જરૂરિયાત હતી- રૂપાણી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત માટે આનંદનો દિવસ છે. આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનાર સંસ્થા એઇમ્સના નિર્માણનું કાર્ય ચાલુ થયું છે. ગુજરાતની જનતાને આવતા દિવસોમાં અન્ય રાજ્યોમાં જવું નહીં પડે. ઘર આંગણે આ સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર મળી રહેશે. કારણ કે ગુજરાતમાં એઇમ્સની જરૂરિયાત હતી. હવે આ ઝડપથી નિર્માણ થશે અને લોકોને ફાયદો થશે. છેલ્લા 5 વર્ષોમાં કેન્દ્ર સરકારની કાર્યોની ગતિ વધી છે અને વિકાસ ખૂબ ઝડપથી થાય છે.