આર્થિક અને રાજકીય કટોકટીમાં ફસાયેલા શ્રીલંકામાં બુધવાર 20 જુલાઇએ નવા પ્રેસિડન્ટ તરીકે રાનીલ વિક્રમસિંઘે ચૂંટાઈ આવ્યા હતા. REUTERS/Adnan Abidi/File Photo

આર્થિક અને રાજકીય કટોકટીમાં ફસાયેલા શ્રીલંકામાં બુધવાર 20 જુલાઇએ નવા પ્રેસિડન્ટ તરીકે રાનીલ વિક્રમસિંઘે ચૂંટાઈ આવ્યા હતા. લોકોના પ્રચંડ વિરોધને પગલે અગાઉ પ્રેસિડન્ટ તરીકે ગોટાબાયાએ રાજીનામું આપી દેશમાંથી ભાગી જવું પડ્યું હતું. રાનીલ વિક્રમસિંઘે કાર્યકારી પ્રેસિડન્ટ તરીકે કામગીરી કરતા હતા.

સત્તાવાર રિઝલ્ટમાં જણાવ્યા અનુસાર 225 સભ્યોની સંસદમાં વિક્રમસિંઘેને 134 વોટ મળ્યા હતા. તેમના મુખ્ય હરીફ દુલ્લાસ અલહપ્પેરુમાને 82 અને ડાબેરી મોરચના નેતા અનુરા દિસાનાયકને માત્ર 3 વોટ મળ્યા હતા. વિક્રમસિંઘે શ્રીલંકામાં છ વખત વડાપ્રધાનના હોદ્દા પર રહી ચુક્યા છે અને તેમને પ્રેસિડન્ટ તરીકે મુખ્ય દાવેદાર માનવામાં આવ્યા હતા. વિક્રમસિંઘેને 225 સભ્યોની સંસદમાં રાજપક્ષે પરિવારની એસએલપીપી પાર્ટીનું સમર્થન હતું. જોકે શ્રીલંકાની જનતાએ રાનીલ વિક્રમસિંઘેનો પણ અગાઉ વિરોધ કરીને તેમના રાજીનામાની માગણી કરી હતી. તેથી તેમના માટે શ્રીલંકાને કટોકટીમાંથી બહાર લાવવાનું પડકારનજનક બની શકે છે.

નવા પ્રેસિડન્ટ ચૂંટવા માટે શ્રીલંકન સંસદમાં તમામ સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પણ સંસદમાં હાજર રહ્યા હતા. પ્રેસિડન્ટ પદની ચૂંટણી પહેલા શ્રીલંકામાં આજે સંસદની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ હતી.
શ્રીલંકાની સંસદમાં 44 વર્ષમાં પ્રથમ વખત પ્રેસિડન્ટ પદ માટે સીધી ચૂંટણી થઈ છે. 225 સભ્યો ધરાવતા ગૃહમાં મેજિકલ ફિગર સુધી પહોંચવા માટે 113ના સમર્થનની જરૂર હતી. રાનિલ વિક્રમસિંઘેને તે માટે વધુ 16 મતની જરૂર હતી. તેમને તમિલ પાર્ટીના 12 મતમાંથી 9 મત પર વિશ્વાસ હતો, પરંતુ તેમને 134 મત મળ્યા છે.