અમદાવાદમાં ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની ફાઇલ તસવીર

કોરોના મહારારી વચ્ચે રાજ્ય સરકારે કેટલીક શરતોને આધીન અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને બુધવારે મંજૂરી આપી હતી. ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ 144મી રથયાત્રા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને સરકારની મંજૂરી મળ્યા બાદ હવે તૈયારીઓને આખરી ઓપ અપાશે. રથયાત્રા કાઢવાની જગન્નાથ મંદિર, શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જગન્નાથ મંદિરને 120 જેટલા ખલાસીનું લિસ્ટ ખલાસીઓ દ્વારા આપવામાં આવ્યું છે, જેઓ વેક્સિનેટેડ હશે. જગન્નાથ મંદિરની બહાર ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા- જગન્નાથ મંદિરનું મોટું બેનર લગાવવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત જગદીશ મંદિરેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા આ વર્ષે પણ આગામી તા. 12 જુલાઈ, સોમવારના રોજ નીકળશે. મંદિરના સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું, કે રથયાત્રાના પ્રારંભ પહેલા એટલે કે, રથને દોરતા અગાઉ પહિંદવિધિ કરવામાં આવે છે, જેમાં પ્રથમ રથ આગળ સોનાના તારવાળી સાવરણીથી દૂર કરીને રોડ સ્વચ્છ કરવામાં આવે છે અને એ પછી રથનું પૂજન કરવામાં આવે છે. આ વિધિ દર વર્ષે મુખ્યપધાનના હસ્તે થાય છે. આ વિધિ માટેનું સત્તાવાર આમંત્રણનો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વીકાર કર્યો છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા નીકળશે.