કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાની વચ્ચે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ સાથે જોડાયેલી કંપનીઓને રૂ.50,000 કરોડની સસ્તી લોન આપવાની બુધવારે જાહેરાત કરી હતી.

કોરોના મહામારીની બીજી લહેરની અસરનો સામનો કરવાના પગલાંની જાહેરાત કરતાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ઓન-ટેપ લિક્વિડિટીની સુવિધા 31 માર્ચ 2022 સુધી મળશે. તેમાં રેપો રેટના આધારે ત્રણ વર્ષ સુધી લોન મળશે. આરબીઆઇની આ સ્કીમને આધારે બેન્કો વેક્સીન ઉત્પાદકો, વેક્સીન, મેડિકલ ડિવાઇસના આયાતકારો-નિકાસકારોન, હોસ્પિટલ્સ, પેથોલોજી લેબ્સ, ઓક્સિજન અને વેન્ટિલેટર્સના મેન્યુફેક્ચરર્સને નવેસરથી ધિરાણ આપી શકશે. આ લોન રેપો રેટ પર એટલે કે ખૂબ સસ્તા વ્યાજ દર પર હશે. ઉલ્લેખનીય છે કે, રેપો રેટ ફક્ત 4 ટકા જ છે. તેમણે જણાવ્યું કે, ભારત મજબૂત સુધારા તરફ આગળ વધી રહ્યું હતું. જીડીપીનો વધારો પોઝિટિવ થયો હતો પરંતુ બીજી લહેર આવી ત્યાર બાદ છેલ્લા થોડા સપ્તાહમાં સ્થિતિ ખૂબ બગડી ગઈ છે. રિઝર્વ બેંક સતત સ્થિતિ પર નજર રાખી રહી છે.