ફુગાવાને અંકુશમાં લેવા માટે ભારતની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે રેપો રેટમાં 0.50 ટકાનો મોટો વધારો કર્યો હતો. માર્ચથી શરૂ થયેલી વ્યાજ દર વધારાની આ નીતિમાં બેન્ચમાર્ક ગણાતા રેપોરેટમાં આ ત્રીજો સળંગ વધારો છે.

કોરોના મહામારી બાદ દેશના અર્થતંત્રને ટકાવી રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હળવી નાણાનીતિ અપનાવી હતી. તેની અવળી અસર તથા યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ફુગાવાના આંકડા પર પડતી જોવા મળી હતી. ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં કોરોના મહામારી બાદ વધેલી માંગને પગલે મોંઘવારીએ માઝા મૂકી છે.આ ઉપરાંત યુક્રેન યુદ્ધથી પણ વૈશ્વિક સપ્લાય ચેઇનને માઠી અસર થઈ છે.

મોંઘવારીને ડામવા માટે ભારત સહિત ભારત સહિતની વિશ્વની સેન્ટ્રલ બેંકો વ્યાજ દરમાં વધારો કરી રહી છે. ગયા સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વના 28 વર્ષના બીજા સૌથી મોટા વ્યાજ દર વધારા બાદ ગઈકાલે બેંક ઓફ ઇંગ્લેન્ડે 1995 બાદનો સૌથી મોટો વ્યાજ દર વધારો કર્યો હતો અને આરબીઆઈએ પાંચ ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી મોનેટરી પોલિસીમાં વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કરીને રેપોરેટ 4.9થી વધારી 5.4 કર્યા છે. આ સાથે જ ભારતમાં રેપોરેટ કોરોના પૂર્વેના સ્તરે પહોંચ્યા છે.

બજાર એક્સપર્ટના અંદાજ અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આ મોનિટરી પોલિસીમાં 0.35%ના વ્યાજ દર વધારાની અપેક્ષા હતી પરંતુ મોંઘવારીને કાબૂમાં લેવા માટે આરબીઆઈએ કડકાઈ દાખવીને વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કરીને આક્રમક પોલિસી બતાવી છે.