પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વધતા જતા કોરોનાવાયરસ અને ભારતીય મ્યુટન્ટને કારણે ભારતને રેડ લીસ્ટમાં મૂકાયા બાદ મુસાફરી પરના પ્રતિબંધોને ટાળવા માટે ઓછામાં ઓછા આઠ ખાનગી જેટ દ્વારા કેટલાક અતિશય શ્રીમંત ભારતીયોને બ્રિટનના લુટન એરપોર્ટ પર લવાયા હતા.

તા. 23ના રોજ સવારે 4 વાગ્યાની ડેડલાઇનના 45 મિનિટ પહેલા 13 સીટર બોમ્બાર્ડિયર ગ્લોબલ 6000 જેટ મુંબઇથી  ઉડીને લુટન એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. તેના પહેલા ત્રણ જેટ થોડીક મિનીટના અંતરે આવ્યા હતા. અન્ય બોમ્બાર્ડિયર ગ્લોબલ 6000 જેટ પ્રતિબંધ લાગુ થાય તે પહેલા સવારે 2.15 વાગ્યે મુંબઇથી લુટન પહોંચ્યું હતુ. જ્યારે બીજા બે જેટ સવારે 1 વાગ્યા પછી તરત જ દિલ્હીથી ઉતર્યા હતા. પ્રતિબંધ લાગુ થયાના 24 કલાક પહેલા કુલ ચાર જેટ મુંબઈથી, ત્રણ જેટ દિલ્હીથી અને એક જેટ અમદાવાદથી લુટન ઉતર્યાં હતાં. આ ઉપરાંત, વિસ્ટારા કંપની દ્વારા સંચાલિત બોઇંગ 787 ડ્રીમલાઇનર ગુરૂવારે સાંજે સાત વાગ્યા પહેલાં હિથ્રો પહોંચ્યું હતું.

એવું માનવામાં આવે છે કે નવ કલાકની ફ્લાઇટ માટે નાના ચાર્ટર જેટની કિંમત £100,000થી વધુ હોઈ શકે છે. આ અગાઉ એરલાઇન્સ દ્વારા અંતિમ તારીખ પહેલાં હિથ્રો પહોંચવા માટે આઠ વધારાની ફ્લાઇટ્સ માંગી હતી પણ તે નકારવામાં આવી હતી.