પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વર્લ્ડ બેન્કે તેના એક અહેવાલમાં ગયા સપ્તાહે જણાવ્યુ હતું કે, દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવનારા ભારતને 2021માં 87 બિલિયન ડોલરનું રેમિટન્સ પ્રાપ્ત થયું છે, જેમાં અમેરિકાથી સૌથી વધારે નાણાં આવ્યા છે અને તેનો કુલ ભંડોળમાં 20 ટકાથી વધુ હિસ્સો છે.

વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશોની યાદીમાં ભારત પછી ચીન, મેક્સિકો, ફિલિપાઇન્સ અને ઇજિપ્તનો ક્રમે આવે છે. કોરોના મહામારી હોવા છતાં દેશમાં આવતો નાણાપ્રવાહ ઘટ્યો નથી. વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વિદેશથી આવેલી રકમ 2021માં 7.3 ટકા વધીને 589 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. ભારતમાં રેમિટન્સનો પ્રવાહ 2022માં ત્રણ ટકા વધીને 89.6 બિલિયન ડોલર થવાનો અંદાજ છે. 2020માં ભારતમાં 83 બિલિયન ડોલરનું રેમિટન્સ આવ્યું હતુ. વિદેશથી સૌથી વધારે નાણાં એટલે કે રેમિટન્સ મેળવવામાં ભારત પ્રથમ ક્રમે છે. આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કોરોનાના રોગચાળાના બીજા મોજા અને ઉંચા મૃત્યુઆંક વચ્ચે પણ 4.6 ટકાની વૃદ્ધિ ઘણી મહત્વની છે.

વર્લ્ડ બેન્કના અંદાજ અનુસાર, રેમિટન્સનો પ્રવાહ અગાઉની તુલનાએ ઘણો મજબૂત રહ્યો છે અને 2020ના મૂડીપ્રવાહનું અનુકરણ કરે છે. કોવિડ-19ના રોગચાળા લીધે સર્જાયેલી ગંભીર વૈશ્વિક મંદી વચ્ચે પણ વિદેશમાંથી દેશમાં નાણાં મોકલનારા લોકોની સંખ્યા માત્ર 1.7 ટકા ઘટી હતી.