(ANI Photo)

સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિનો સમાવેશ કરવા માટે પ્રજાસત્તાક દિનની ઉજવણીનો પ્રારંભ હવે દર વર્ષે 24 જાન્યુઆરીની જગ્યાએ 23 જાન્યુઆરીથી થશે.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિના મહત્ત્વના પાસાંને આવરી લેવાના નરેન્દ્ર મોદી સરકારના ફોકસને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે અગાઉ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીની ઉજવણી પરાક્રમ દિવસ તરીકે કરવાનો નિર્ણય કર્યો હતો.

નેતાજી બોઝના ભાઇના પૌત્ર ચંદ્રકુમાર બોઝે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીજીના વડપણ હેઠળની એનડીએ સરકારે કરેલા પ્રયાસોની ભારતના લોકો કદર કરે છે, પરંતુ આજના ભારતમાં વધુ મહત્ત્વનું એ છે આપણે નેતાજીની સર્વગ્રાહી વિચારસરણીનો અમલ કરવો જોઇએ. તેઓ માત્ર એક એવા નેતા છે કે જે ધર્મના બંધન વગર ભારતના લોકોને એક ભારતીય તરીકે એકજૂથ કરી શકે છે. મે આ અંગે વડાપ્રધાન મોદીને લેખિત રજૂઆત પણ કરી છે.

મોદી સરકારે અગાઉ પણ કેટલાંક ઐતિહાસિક દિવસની વાર્ષિક ઉજવણી કરવાની જાહેરાત કરેલી છે. ઉદાહરણ તરીકે 15 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ, 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલની જન્મજયંતી), 15 નવેમ્બરને જનજાતિય ગૌરવ દિવસ (બિરસા મૂન્ડાની જન્મજયંતી), 26 નવેમ્બરને બંધારણ દિવસ અને 26 ડિસેમ્બરને વીર દિવસ તરીકે ઉજવણી થાય છે.

પ્રજાસત્તાક દિનની પરેડમાં 24,000ને મંજૂરી મળશે, વિદેશી મહેમાનની શક્યતા ઓછી

ભારતની રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિને કારણે આ વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પરેડમાં આશરે 24,000 લોકોને પરવાનગી આપવામાં આવશે. મહામારી પહેલા 2020માં પરેડમાં આશરે 1.25 લાખ લોકોને છૂટ આપવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે ગયા વર્ષની પ્રજાસત્તાક દિન પરેડમાં 25,000 લોકોને પરવાનગી આપવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્ય મહેમાન તરીકે વિદેશી મહાનુભાવ ઉપસ્થિત ન રહે તેવી શક્યતા છે. આ વર્ષની પરેડમાં કોરોના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.