India domestic airfare
 પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં આશરે 27 મહિનાના સમયગાળા બાદ ડોમેસ્ટિક વિમાન ભાડા પરની મર્યાદાને 31 ઓગસ્ટથી નાબૂદ કરવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે એરલાઇન્સ કોઇપણ નિયંત્રણો વગર વિમાન ટિકિટના ભાવ નક્કી કરી શકશે. વિમાન ભાડાની ઉપલી અને નીચલી એમ બંને મર્યાદા દૂર કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી એરલાઇન્સને મોટી રાહત મળશે અને પેસેન્જરની સંખ્યામાં વધારો થશે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે દૈનિક માગ અને એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવના કાળજીપૂર્વકના વિશ્લેષણ બાદ વિમાન ભાડા પરની મર્યાદાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં હવે સ્થિરતા આવી છે અને અમને ખાતરી છે કે આ ક્ષેત્ર નજીકના ભવિષ્યમાં ડોમેસ્ટિક ટ્રાફમાં વૃદ્ધિ માટે સજ્જ છે.

વિમાનના ઇંધણ એટીએફના ભાવ 24 ફેબ્રુઆરીએ રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થતાં વિક્રમજનક ઊંચા સ્તરે સ્પર્શ્યા હતા. આ પછી છેલ્લાં કેટલાંક સપ્તાહમાં એટીએફના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. પહેલી ઓગસ્ટે એટીએફના ભાવ દિલ્હીમાં કિલોલિટર દીઠ રૂ.1.21 લાખ હતા, જે ગયા મહિનાની સરખામણીમાં આશરે 14 ટકાનો ઘટાડો દર્શાવે છે.

કોરોના મહામારીને કારણે બે મહિનાના લોકડાઉન બાદ 25મે 2020ના રોજ ફ્લાઇટના સમયગાળાને આધારે ડોમેસ્ટિક વિમાન ભાડા પર ટોચની અને નીચલી એમ બંને મર્યાદા લાદી હતી. દેશમાં કોરોના બાદ 25 મે 2020થી એરલાઇન્સ સર્વિસ ફરી ચાલુ થઈ હતી. ઉદાહરણ તરીકે હાલમાં એરલાઇન્સ કંપનીઓ 40 મિનિટથી ઓછા સમયની ડોમેસ્ટિક પ્લાઇટ માટે રૂ.2,900 (જીએસટી સહિત)થી ઓછું અને રૂ.8,800 (જીએસટી)થી વધુ વિમાન ભાડુ પેસેન્જર પાસેથી વસૂલ કરી શકતી નથી. વિમાન ભાડામાં નીચલી મર્યાદાનો હેતુ નબળી એરલાઇન્સ કંપનીઓને નાણાકીય સુરક્ષા આપવાનો હતો, જ્યારે ટોચની મર્યાદાનો હેતુ ઊંચા ભાડાથી મુસાફરોનું રક્ષણ કરવાનો હતો.

બુધવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક આદેશમાં જણાવ્યું હતું કે શિડ્યુલ્ડ ડોમેસ્ટિક ઓપરેશન્સ તથા એર ટ્રાવેલ માટેની પેસેન્જરની માગની હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ 31 ઓગસ્ટ 2022ની અસરથી વિમાન ભાડા સંબંધિત પ્રાઇસ બેન્ડને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જોકે એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટર્સે કોરોનાના ફેલાવાને અટકાવતી ગાઇડલાઇનનું ચુસ્ત પણ પાલન કરવાનું રહેશે. પ્રવાસ દરમિયાન  પણ કોરાનો યોગ્ય વર્તણુકના નિયમોનું પાલન કરવાનું રહેશે.

વિસ્તારાના સીઇઓ વિનોદ કન્નને 19 જુલાઈએ જણાવ્યું હતું કે વિમાન ભાડાની લોઅર અને અપર મર્યાદામાં વધારો થાય તો તેમને ખુશી થશે, પરંતુ શ્રેષ્ઠ ઉકેલ એ છે કે એરલાઇન્સ કંપનીઓને વિમાન ભાડામાં સંપૂર્ણ સ્વતંત્રતા આપવી.

એરલાઇન્સને મોટી રાહત થશે

વિમાન ભાડા પરની મર્યાદા દૂર થવાથી ઇન્ડિગો, સ્પાઇસજેટ, એર ઇન્ડિયા, વિસ્તારા અને નવી એરલાઇન અકાસાને મોટી રાહત મળશે. ભારતમાં હવે વિમાન મુસાફરોની સંખ્યામાં પણ મજબૂત રિકવરી આવી છે. મુસાફરોની સંખ્યા કોરોના પહેલાના સ્તરે આવી ગઈ છે. તેનાથી એરલાઇન્સની આવકમાં વધારો થઈ રહ્યો છે. પેસેન્જરની સંખ્યામાં વધારો કરવા માટે એરલાઇન્સ હવે ટિકિટમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે. કોરોનાની અસરમાં ઘટાડાને પગલે એરલાઇન્સ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે મર્યાદાને દૂર કરવાની માગણી કરી રહી હતી. કંપનીઓએ જણાવ્યું હતું કે ભાડામર્યાદા ડોમેસ્ટિક એર ટ્રાફિકની રિકવરી સામેનો અવરોધ છે.