Riots, arson all over France after FIFA World Cup defeat
(Photo by Kiran Ridley/Getty Images)

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં આર્જેન્ટીના સામે ફ્રાન્સની કારમી હાર પછી પેરિસ સહિતના કેટલાંક શહેરોમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ફૂટબોલ ચાહકો લિયોન, નાઇસ અને પાટનગર પેરિસની સડકો પર ઉતરી આવ્યા હતા, જેમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી, કેટલીક જગ્યાએ પોલીસ સાથે અથડામણ થઈ હતી. ઉપદ્રવીઓને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. અહેવાલ મુજબ પેરિસમાં પ્રખ્યાત ચેમ્પ્સ-એલિસીસ ખાતે હુલ્લડ નિયંત્રણ દળોની ફૂટબોલ ચાહકો સાથે અથડામણ થઈ હતી.

પેરિસ અને ફ્રાન્સના અન્ય શહેરોમાં ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં ચેમ્પિયન બનવાની આશા સાથે હજારો ચાહકો એકઠા થયા હતા, પણ તેમની રાષ્ટ્રીય ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીના સામે 4-2થી હારી ગઈ હતી, જેના કારણે ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે પેરિસ અને લિયોનની શેરીઓમાં નાસભાગના વીડિયો પોસ્ટ કર્યા હતા, જ્યારે લોકો પોલીસ દ્વારા છોડવામાં આવેલા ટીયર ગેસના શેલથી બચવા માટે આસપાસ દોડી ગયા હતા. કેટલાક વીડિયોમાં પોલીસને તોફાનીઓ સામે બૂમો પાડતા સાંભળી શકાય છે. ભીડને વિખેરવા માટે કથિત રીતે વોટર કેનન છોડવામાં આવી રહી હતી. પોલીસે લિયોનમાં ડઝનેક ચાહકોની અટકાયત કરી હોવાના અહેવાલ હતા. ફ્રાન્સના નાઇસ શહેરના એક વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે શહેરમાં અથડામણો ફાટી નીકળતાં ઇમરજન્સી વાહનો શેરીમાં સળગતા કચરા પર દોડી રહ્યા હતા.

કેરળમાં વર્લ્ડકપની ઉજવણી હિંસક, 1નું મોત, 3 ઘાયલ

ભારતના કેરળમાં ફૂટબોલ વર્લ્ડકપમાં આર્જેન્ટિનાની જીતની ઉજવણી પણ હિંસક બનતા એકનું મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા હતા. રાજ્‍યમાં અનેક જગ્‍યાએથી અથડામણ થઈ હતી. વિજયની ઉજવણી દરમિયાન એક કિશોર અચાનક ગબડી પડ્યો હતો અને રસ્તામાં જ તેનું મોત થયું હતું. કેરળના કન્નુરમાં ફ્રાન્‍સ અને આર્જેન્‍ટિનાના સમર્થકો વચ્‍ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્‍યું હતું.
પોલીસના જણાવ્‍યા અનુસાર, આ ઘટના પલ્લિયામૂલા પાસે બની હતી. આર્જેન્‍ટિનાના ચાહકોએ ફ્રેન્‍ચ પ્રશંસકોને ટોણા માર્યા હતા, જે બાદમાં હિંસા થઈ હતી. છ લોકોની અટકાયત કરવામાં આવી હતી કોચી અને તિરુવનંતપુરમમાં પણ હિંસાની કેટલીક ઘટનાઓ સામે આવી હતી. આર્જેન્‍ટિનાની જીત બાદ ઉજવણી કરી રહેલા લોકોને સંભાળતી વખતે બે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

16 − seven =