Rishi Sunak's journey to becoming the youngest PM in modern history

પોતાની માતાને ફાર્મસીમાં એકાઉન્ટ્સમાં મદદ અને દર્દીઓને પ્રસ્ક્રિપ્શન મુજબની દવાઓ પહોંચાડવાથી લઇને 39 વર્ષની ઉંમરે ચાન્સેલર અને હવે યુકેના આધુનિક ઈતિહાસના સૌથી યુવાન પીએમ સુધીની ઋષિ સુનકની સફર ખૂબ જ રોચક રહી છે. ઋષિ સુનક બ્રિટનના પ્રથમ બિન-શ્વેત અને દિવાળીના દિવસે જ હિન્દુ વડા પ્રધાન બન્યા છે. આ સિધ્ધિ માત્ર સુનકની પોતાની જ નહિં યુકે અને યુકેની જનતા તથા વિશ્વની સૌથી જુની અને મજબૂત લોકશાહીની પણ અનેરી સિધ્ધિ છે.

ઋષિ સુનક ભારતીય માઇગ્રન્ટ અને સાઉધમ્પ્ટનના જીપી યશવીર સુનક અને ફાર્મસીસ્ટ માતા ઉષા સુનકના પુત્ર છે. તા. 24ના રોજ દિવાળીના દિવસે ટોરી નેતા અને વડા પ્રધાન બનેલા સુનક યુકેના પ્રથમ બિન-શ્વેત અને હિન્દુ નેતા છે. તેમના પહેલા યુકેના પ્રથમ અને માત્ર અન્ય લઘુમતી વડા પ્રધાન તરીકે 1874માં એક માત્ર યહૂદી ધર્મના બેન્જામિન ડિઝરાયલીની વરણી થઇ હતી.

સુનકની રાજકીય સફર માત્ર સાત વર્ષ પહેલાં શરૂ થઈ હતી. 2015ની સામાન્ય ચૂંટણીમાં યોર્કશાયરના રીચમંડની સીટ પર તેમણે વરિષ્ઠ ટોરી નેતા વિલિયમ હેગનું સ્થાન લીધું હતું. તે પછી સુનકને માત્ર ચાર વર્ષ પહેલા જ પ્રથમ વખત મિનિસ્ટર તરીકે પદ અપાયું હતું. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે 2020માં 39 વર્ષની વયે ટ્રેઝરીના ચાન્સેલર બન્યા હતા. અને હવે 42 વર્ષની ઉંમરે નંબર 10 ટાઉનીંગ સ્ટ્રીટમાં વડા પ્રધાન તરીકે  સ્થાન મેળવનાર આધુનિક યુગમાં સૌથી યુવા પીએમ બનશે. તેઓ 2010માં ડેવિડ કેમરન અને 1997માં વડા પ્રધાન બનનાર ટોની બ્લેર કરતાં પણ નાના છે.

ઋષુ સુનકને તેમના માતા-પિતાએ દર વર્ષે £42,000ની ફી વસુલ કરતી વિન્ચેસ્ટર કોલેજમાં મોકલવા માટે ખૂબ જ બચત કરી હતી. તે પછી તેઓ ઓક્સફોર્ડ ગયા હતા અને PPE નો અભ્યાસ કર્યો હતો. ત્યાંથી તેમણે કેલિફોર્નિયાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેઓ ભારતીય ટેક બિલિયોનેર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતાને મળ્યા હતા અને 2009માં સુનકે તેણીના વતન બેંગ્લોરમાં 1,000 મહેમાનોની હાજરીમાં બે દિવસીય સમારોહમાં અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. આજે દંપત્તિને બે પુત્રીઓ ક્રિશ્ના અને અનુષ્કા છે. અક્ષતાના પિતા એન.આર. નારાયણ મૂર્તિ, બહુરાષ્ટ્રીય બિઝનેસ ટેક્નોલોજી જાયન્ટ ઈન્ફોસીસની માલિકી ઘરાવે છે અને ભારતના છઠ્ઠા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે.

કરોડો પાઉન્ડની સંપત્તિ બનાવી હોવાથી સુનકની ગણના ‘મહારાજા ઓફ ધ ડેલ્સ’ તરીકે થાય છે. પોતાના બેંકિંગ ફોર્ચ્યુન અને તેમની પત્ની અક્ષતાની ઇન્ફોસીસમાં ભાગીદારીના કારણે સુનક સંસદના સૌથી ધનાઢ્ય સભ્યોમાંના એક હોવાનું માનવામાં આવે છે. તેમની સંપત્તિ કિંગ ચાર્લ્સ કરતા પણ વધારે હોવાનું મનાય છે. તેઓ નોર્થ યોર્કશાયરમાં નોર્થલર્ટનની બહાર, કિર્બી સિગસ્ટનના નાના ગામમાં એક ભવ્ય જ્યોર્જિયન મેનોર હાઉસ ધરાવે છે.

અમેરિકાથી બ્રિટન પરત ફર્યા બાદ સુનકે 2010માં 700 મિલિયન ડોલરના પ્રારંભિક ફંડ સાથે પોતાનો બિઝનેસ થેલેમ પાર્ટનર્સની સ્થાપના કરી હતી. તે પહેલા તેમણે લંડનમાં હેજ ફંડ માટે કામ કર્યું હતું. તે પછી તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા અને 2015માં રિચમન્ડની બેઠક જીત્યા હતા. થેરેસા મે સરકારમાં તેઓ જુનિયર સ્થાનિક સરકારના પ્રધાન હતા. બોરિસ જૉન્સન દ્વારા તેમને ટ્રેઝરીના ચિફ સેક્રેટરી બનાવાયા હતા અને સાજિદ જાવિદે રાજીનામુ આપ્યા બાદ તેમને ફેબ્રુઆરી 2020 માં ચાન્સેલર બનાવાયા હતા.

તે વખતે સુનક લોકો માટે અજાણ્યા હતા પરંતુ નિમણુંકના અઠવાડિયા પછી જ્યારે કોવિડ દેશ પર ત્રાટક્યો ત્યારે તેઓ ઝડપથી ચર્ચામાં આવ્યા હતા. રોગચાળા દરમિયાન પબ્લિક સ્પેન્ડીંગની વિશાળ ઝુંબેશ દરમિયાન શાંતિકાળમાં જાણીતી સૌથી મોટી ફર્લો સ્કીમ બહાર પાડી હતી. જેને કારણે લાખો લોકોની નોકરી બચી હતી પરંતુ તેને કારણે દેવું મોભ પર જઇ પહોંચ્યું હતું. પરંતુ તેમની વરણી જે ઝડપે થઇ હતી તેટલી જ ઝડપે તેમણે ચાન્સેલર તરીકેની કારકિર્દીનો અંત આવ્યો હતો. સમરમાં નેતૃત્વની ચૂંટણી દરમિયાન સુનક ટોરી સાંસદોના પ્રિય હતા. પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ લિઝ ટ્રસને પસંદ કરતા તેઓ વડા પ્રધાન બની શક્યા ન હતા.

સુનક પર જૉન્સનને પીઠમાં ખંજર ભોંક્યુ હોવાના આરોપો, યુએસ ગ્રીન કાર્ડ હોવાના, તેમની અમેરિકન રેસિડેન્સી અને પત્ની અક્ષતાના ટેક્સ સ્ટેટસના વિવાદોને પગલે તેઓ સફળ થઇ શક્યા ન હતા. જો કે તેઓ આ તમામ આરોપોમાંથી બહાર આવ્યા હતા અને જે તેઓ વડા પ્રધાન છે.

સુનકના દાદા-દાદી હાલના પાકિસ્તાની પંજાબના છે. તેમણે સંસદમાં ભગવદ ગીતા પર સાંસદ તરીકે શપથ લીધા હતા. સુનકે તેના TCI સહયોગી પેટ્રિક ડેગોર્સના હેજ ફંડ થેલેમ પાર્ટનર્સ સાથે જોડાવા જતા પહેલા લગભગ ત્રણ વર્ષ સુધી અબજોપતિ એક્ટિવિસ્ટ હેજ ફંડ મેનેજર ક્રિસ હોહનના TCI ફંડ મેનેજમેન્ટમાં કામ કર્યું હતું.

ટીટોટેલર, સુનક સ્ટાર વોર્સનો ચાહક છે અને મોટા થઈને જેડી નાઈટ બનવા માંગતા હતા. બ્રિટિશ ટેબ્લોઇડ્સ તેમને ‘ડિશી ઋષિ’ કહે છે. અક્ષતા, હજુ પણ ભારતીય નાગરિક છે અને યુકેમાં બિન-નિવાસી દરજ્જો ધરાવે છે. તેણીના નોન-ડોમિસાઇલ સ્ટેટસના કારણે તેણીને ઇન્ફોસીસમાં તેના શેરમાંથી ડિવિડન્ડ પર ટેક્સમાં આશરે £20 મિલિયન બચાવવાની મંજૂરી મળી હતી. 2022ના સમરમાં પીએમ પદના પ્રચાર દરમિયાન, ઋષિ સુનકને તેમના ભવ્ય ઘર, મોંઘા સુટ્સ અને શૂઝ સહિત વિવિધ મોરચે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઋષિ સુનકની કુલ સંપત્તિ 700 મિલિયન પાઉન્ડથી વધુની છે. યોર્કશાયરમાં મેન્શનની માલિકી ઉપરાંત, સુનક અને તેની પત્ની અક્ષતા સેન્ટ્રલ લંડનમાં કેન્સિંગ્ટનમાં મિલકત ધરાવે છે.

LEAVE A REPLY

three × 2 =