હન્સલોમાં 24 નવેમ્બરે બુધવારે સાંજે રેલે રોડ પર લોકોના જૂથ સાથેની લડાઈ બાદ છરાબાજીના અહેવાલો વચ્ચે છરીના ઘા મારીને હત્યા કરાયેલા 16 વર્ષના શીખ કિશોરનું નામ રિશ્મીત સિંહ હોવાનું બહાર આવ્યું છે. તે આ વર્ષે લંડનની શેરીઓમાં માર્યો ગયેલો 28મો કિશોર છે. તેના મિત્રોનું માનવું છે કે રિશ્મીતને તેના નકલી ગુચી પાઉચ બાબતે છરા મારવામાં આવ્યા હતા.

દલજીત સિંહ નામના મિત્રએ કહ્યું હતું કે “તે ખૂબ સારો મિત્ર હતો. ખૂબ જ દુઃખદ બનાવ છે. તે તેની માતાની સંભાળ રાખતો હતો, તેણે પાર્ટ ટાઈમ જોબ કરીને ખૂબ જ મહેનત કરી હતી. તે હંમેશા તેની માતા માટે શોપિંગ કરતો હતો. તે તેમના માટે ખૂબ જ સારો હતો. તેઓ ઘટના સ્થળથી નજીકમાં જ રહેતા હતા. આજે સવારે તેની માતા બહાર રડતી હતી.’’

છરાબાજીના અહેવાલ બાદ બુધવારે રાત્રે 9.07 વાગ્યે સાઉથોલના રેલે રોડ પર પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે ઘરની આગળના બગીચામાં રિશ્મીતનો જીવ બચાવવા માટે નિરર્થક સંઘર્ષ કર્યો હતો. લંડન એમ્બ્યુલન્સ સર્વિસ (LAS) ના પેરામેડિક્સ સાથે અધિકારીઓએ હાજરી આપી હતી. ઇમરજન્સી સેવાઓના પ્રયત્નો છતાં, થોડા સમય પછી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ ટૂંક સમયમાં  થશે.

એક પાડોશીએ જણાવ્યું હતું કે રિશ્મીત ઘરની બહાર તૂટી પડતા પહેલા તેના હુમલાખોરોથી ભાગવામાં સફળ રહ્યો હતો. તે શીખ સમુદાયમાંથી છે અને નજીકમાં જ રહે છે.

મેટ પોલીસ સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના હોમસાઈડ ડિટેક્ટિવ્સ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

તપાસનું નેતૃત્વ કરતા ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર જેમ્સ શર્લીએ જણાવ્યું હતું કે “મારા વિચારો આ અતિ મુશ્કેલ સમયે રિશ્મીતના પરિવાર અને મિત્રો સાથે છે. હું તેમને અને વ્યાપક સમુદાયને આશ્વાસન આપવા માંગુ છું કે અમે રિશ્મીતના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ અથવા લોકોને ન્યાય અપાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ. બુધવારના રોજ રાત્રે 9 વાગ્યા પછી રેલે રોડની આસપાસના વિસ્તારમાં હોય અને આ ઘટના જોઈ હોય તેવા લોકોને સંબંધિત માહિતી અથવા CCTV ફૂટેજ સાથે આગળ આવવા માટે સાક્ષીઓને જાહેર અપીલ કરી હતી. હું વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને અથવા આ હુમલા સમયે રેલે રોડની આસપાસ રહેતા રોડ યુઝર્સને પૂછીશ. તેમણે ડોરબેલ, ડેશબોર્ડ અથવા સીસીટીવી કેમેરા પર કેપ્ચર કરેલ કોઈપણ ફૂટેજ તપાસવા જણાવીશ.”

ઈલિંગ, હન્સલો અને હિલિંગ્ડનના પોલીસિંગના વડા ચીફ સુપરિન્ટેન્ડેન્ટ સીન વિલ્સને જણાવ્યું હતું કે ‘’રિશ્મીતનો પરિવાર તેના મૃત્યુથી બરબાદ થઈ ગયો છે. નિષ્ણાત ડીટેક્ટીવ્સ આ હુમલા માટે કોણ જવાબદાર છે તે શોધવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. હું જનતાને તપાસમાં મદદ કરી શકે તેવી કોઈ માહિતી હોય તો પોલીસને સંપર્ક કરવા વિનંતી. હું જાણું છું કે આ દુ:ખદ ઘટનાએ સ્થાનિક સમુદાયને આંચકો આપ્યો હશે અને અમે સ્થાનિક સમુદાય સાથે તેમની કોઈપણ ચિંતાઓને દૂર કરવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ.”

પોલીસે આ અંગેની માહિતી 0208 721 4266 ઉપર કૉલ કરીને આપવા, @MetCC પર ટ્વીટ કરવા અને CAD 7400/24NOV રેફરન્સ આપવા અપીલ કરી છે. વૈકલ્પિક રીતે, લોકો 0800 555 111 પર કોલ કરી શકે છે કે ચેરિટી ક્રાઈમસ્ટોપર્સનો સંપર્ક કરી શકે છે.