Rohit Sharma's century gives India a strong hold in the Test against Australia
ભારતના રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 1લી ટેસ્ટ મેચના બીજા દિવસે તેની અડધી સદીની ઉજવણી કરી. (ANI ફોટો)

રોહિત શર્માની સદી તથા રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની અડધી સદીની મદદથી નાગપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં બીજા દિવસને અંતે ભારતે ઓસ્ટ્રેલિયા સામે મજબૂત પકડ મેળવી હતી. ભારતીય ટીમે પહેલી ઇનિંગ દરમિયાન કાંગારૂઓને 177 રનમાં આઉટ કરી દીધા હતા.

બીજા દિવસે શુક્રવારે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 144 રનની મહત્વની સરસાઈ મેળવી લીધી હતી. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 177 રનમાં સમેટી લીધા બાદ બીજા દિવસના અંતે ભારતે તેના પ્રથમ દાવમાં 7 વિકેટે 321 રન કર્યા હતા. દિવસના અંતે જાડેજા 66 અને અક્ષર પટેલ 52 રને રમતમાં હતા, જ્યારે રોહિત શર્માએ 120 રનની ઈનિંગ્સ રમી હતી.

મેચમાં બીજા દિવસે ભારતે એક વિકેટે 77 રનથી પોતાનો સ્કોર આગળ ધપાવ્યો હતો. રોહિત શર્મા અને અશ્વિને મક્કમતાથી ઓસ્ટ્રેલિયન બોલર્સનો સામનો કર્યો હતો. ભારતે અશ્વિનને નાઈટવોચમેન તરીકે મોકલ્યો હતો. અશ્વિન 23 રન નોંધાવીને મર્ફીના બોલ પર આઉટ થયો હતો. આ સાથે ભારતે બીજા દિવસે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. મર્ફીએ ભારતને ઘણા મોટા ઝાટકા આપ્યા હતા. તેણે પ્રથમ દિવસે લોકેશ રાહુલને આઉટ કર્યો હતો. બાદમાં બીજા દિવસે તેણે અશ્વિન ઉપરાંત ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીને પણ પેવેલિયન ભેગા કર્યા હતા. પૂજારા સાત અને કોહલી 12 રન નોંધાવીને આઉટ થયા હતા. સૂર્યકુમાર યાદવ આઠ રન નોંધાવીને નાથન લાયનનો શિકાર બન્યો હતો. જોકે, રોહિત શર્માએ એક છેડો જાળવી રાખ્યો હતો અને લાજવાબ અંદાજમાં બેટિંગ કરતાં 120 રનની ઈનિંગ્સ રમી હતી. તેણે 212 બોલમાં 15 ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.

રવીન્દ્ર જાડેજાએ કમબેક મેચમાં 5 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયન ટીમમાં અશ્વિનની બોલિંગનો ખોફ જોવા મળ્યો હતો. પેટ કમિન્સની ટીમે તેના માટે ખાસ સ્પિનરો પણ બોલાવ્યા હતા. તેમ છતાં ભારતનો આ સ્પિનર ​​ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

નાગપુર મેચમાં પહેલા દિવસની મેચ પૂરી થયા સુધીમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે કપ્તાન રોહિત શર્મા 56 રન અને રનિચંદ્રન અશ્વિન ખાતું ખોલ્યા વિના અણનમ છે. જ્યારે પહેલા દિવસની ઇનિંગ પૂરી થતાં પહેલા જ કેએલ રાહુલ 20 રન બનાવીને ટોડ મર્ફીનો શિકાર થઈ ગયો હતો.
ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ નાગપુર ટેસ્ટની પહેલી ઇનિંગમાં ધમાકેદાર અંદાજમાં અડધી સદી ફટકારી છે. આ તેના કરિયરની 15મી અડધી સદી છે. તેણે 66 બોલમાં 50 રન પૂરા કર્યા.

LEAVE A REPLY

11 − six =