બ્રિટિશ સરકારના એથિક્સ એડવાઇઝરે તા. 27ને બુધવારે ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનકને કરવેરા સંબંધિત તેમના પારિવારીક મુદ્દાઓ પરના મિનિસ્ટેરીયલ કોડના કહેવાતા ભંગના આરોપમાંથી મુક્ત કરી દીધા હતા.

સુનકે આ મહિનાની શરૂઆતમાં મિનિસ્ટેરીયલ કોડના એડવાઇઝર ક્રિસ્ટોફર ગીડ્ટને તેમના પરિવારના કરવેરા અંગે સમીક્ષા કરવા વિનંતી કરી હતી. તેમના પત્ની અક્ષતા મૂર્તિની ભારતની આવક પરના કરવેરા અંગે ઘટસ્ફોટ થયા બાદ રાજકીય વિવાદ ઉભો થયો હતો. લોકોએ માંગ કરી હતી કે તેણી કરવેરા અંગેના બધા નિયમોનું પાલન કરે છે કે કેમ.

શ્રી ગીડટે પોતાના અહેવાલમાં લખ્યું હતું કે “હું સલાહ આપું છું કે ચાન્સેલર દ્વારા મિનિસ્ટેરીયલ કોડની આવશ્યકતાઓનું પાલન કરવામાં આવ્યું છે, અને તેઓ તેમની જવાબદારીઓને પૂર્ણ કરવામાં અને આ તપાસમાં સામેલ થવા માટે સખત મહેનત કરી રહ્યા છે. સુનકે યુએસ ગ્રીન કાર્ડ છોડી દીધું છે અને તેમાં હિતોનો કોઈ સંઘર્ષ નથી.’’

વડા પ્રધાન બોરિસ જૉન્સનને લખેલો પત્ર લીક થયા પછી રાજકીય તોફાન ફાટી નીકળ્યું હતું. સુનકની શ્રીમંત ભારતીય પત્ની અક્ષતાને યુકેમાં “નોન-ડોમિસાઇલ” ટેક્સ સ્ટેટસનો લાભ મળ્યો છે અને તેઓ વિદેશી આવક પર કર નહિં ભરીને કરમાં બચત કરી રહ્યા હોવાના આરોપો ઉઠ્યા હતા.

સુનક દંપત્તી એક વરવી ઝુંબેશનો ભોગ બન્યા હતા અને દંપતીએ યુ-ટર્ન લઇને પ્રતિજ્ઞા લીધી કે તેણી તેની તમામ વૈશ્વિક આવક પર બ્રિટિશ કર ચૂકવશે. સુનક પર તેમ છતાં બ્રિટિશ લોકો માટે કર વધારવા માટે દંભનો આરોપ મૂકવામાં આવ્યો છે. સુનકને બ્રિટનના સૌથી અમીર સંસદ સભ્ય માનવામાં આવે છે અને બ્રિટિશ નેતા તરીકે જૉન્સનના અગ્રણી દાવેદાર મનાય છે. જો કે વિવાદો અને માંઘવારી બાદ તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.