મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસમાં બે સેલીબ્રિટીના નામ પણ સામેલ થયા છે. જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતરત્નથી સન્માનિત સચિન તેંડુલકર તેમ જ અભિનેતા પરેશ રાવલનો સમાવેશ થાય છે. પરેશ રાવલે તો થોડા સમય અગાઉ જ કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી લીધી છે. સચિને સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે, માઈલ્ડ લક્ષણો સાથે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પરિવારના અન્ય સભ્યોનો રીપોર્ટ નેગેટિવ છે અને તે ઘરમાં કવોર્ન્ટાઇન થયો છે. જોકે, તેણે થોડા દિવસો અગાઉ જ કોરોના સામેની રસી લીધી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે, ‘હું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવેલા તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છું. હું તમામ હેલ્થ પ્રોફેશનલ્સનો આભાર માનું છું, જેઓ મારી સાથે દેશમાં અન્ય લોકોને મદદ કરી રહ્યા છે. તમે બધા પણ પોતાનું ધ્યાન રાખજો.
બીજી તરફ ફિલ્મ અભિનેતા પરેશ રાવલનો પણ કોરોના રીપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો છે. રાવલે, 9 માર્ચના રોજ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને હવે તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. પરેશ રાવલે ટ્વીટર પર આ અંગેની માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘કમનસીબે મારો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ કરીને પોતાનો કોરોનાવાઇરસ ટેસ્ટ કરાવી લે.’
શુક્રવારે મહારાષ્ટ્રમાં 36,902 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 17,019 સાજા થયા, જ્યારે 12 લોકોએ જીવ ગુમાવ્યો. મહારાષ્ટ્રમાં મહામારીની શરૂઆતથી એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાનો નવો રેકોર્ડ છે. આ પહેલાં 26 માર્ચે અહીં 35,952 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 26.37 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 23 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 53,907 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યારે 2.82 લાખ લોકોની સારવાર થઈ રહી છે.