જગતમાં પ્રતિબદ્ધતાના જોરે અસામાન્ય બાબતો કે ઘટનાઓ આકાર લેતી હોય છે અને તેનું શ્રેષ્ઠ દૃષ્ટાંત મહાત્મા ગાંધી છે. તમે આ માણસ તરફ દૃષ્ટિપાત કરશો ખ્યાલ આવશે કે તે કોઇ વિશિષ્ટ પ્રતિભા કે અસાધારણ વ્યક્તિ નહીં પરંતુ અસામાન્ય જવાબદારી નિભાવનારા અને પ્રતિબદ્ધતાવાળા સામાન્ય માનવી હતા પરંતુ ગાંધીજીની પ્રતિબદ્ધતા એટલી બધી જબરજસ્ત હતી કે તેના થકી તેઓ મહાન બન્યા હતા.

ગાંધીએ ભારતમાં તેમના પ્રથમ કેસ વિષે જે લખ્યું હતું તે મને યાદ છે. તેમણે લખ્યું હતું કે, તેઓ કેસમાં દલીલ કરવા ઉભા થયા કે તુરંત તેમનું હૈયું સાવે હેઠું બેસી ગયું અને તેઓ કઈ જ બોલી શક્યા નહીં. આમ એ કોઇ મહાન ધારાશાસ્ત્રી ના હોવા છતાં માનવતાના મહામૂલા (વકીલ) હિમાયતી બની રહ્યા હતા. આ માણસ માત્ર ભારત જ નહીં પરંતુ સમસ્ત જગતના લાખો લોકોનાં હૈયાંમાં વસી શક્યા હતા. માત્ર ભારત જ નહીં વિશ્વમાં ક્યાંય પણ ગાંધીનું નામ લેવાતાં જ વિશિષ્ટ આદર – માનની લાગણી વ્યક્ત થાય છે.

સામાન્ય વકીલમાંથી મહાત્મા બનેલા ગાંધીની આ સફર તેવા સમયે હતી કે ભારતમાં બીજા વધુ સારા વક્તા અને પ્રતિભાશાળી નેતાઓ પણ હતા. આમ છતાં આ માનવી પોતાની પ્રતિબદ્ધતાના જોરે અન્યો કરતાં મુઠ્ઠી ઉંચેરા સાબિત થયો હતો. જીવન કે મૃત્યુ ગમે તે આવે ને જાય, પરંતુ પ્રતિબદ્ધતા બદલાવી ના જોઇએ. જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની સાચી પ્રતિબદ્ધતાથી તમે તમારી જાતને તમામ શક્ય રીતે પૂર્ણતયા પ્રદર્શિત કરી શકો છો.

વચનબદ્ધતા કે પ્રતિબદ્ધતાનો અભાવ હોય તો તમે કોઇક ને કોઇક રીતે તમારૂં લક્ષ્ય કે હેતુ પણ ગુમાવતા હો છો. આપણે આ જગતમાં શા માટે છીએ, તેવો હેતુ જ જ્યારે ગુમાવાયો હોય તો પછી આપણા લક્ષ્યાંકો પૂરા કરવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી. આપણે સાચા અર્થમાં કશાક માટે વચનબદ્ધ કે પ્રતિબદ્ધ હોઇએ તો જિંદગીમાં આપણે જે કાંઇ કરવા માંગીએ છીએ કે કરીએ છીએ તેના પરિણામો ઘણા બધા હોઇ શકે. પ્રતિબદ્ધ વ્યક્તિ માટે કોઇ પરિણામ ના આવ્યું હોય તો પણ તેના માટે નિષ્ફળતા જેવું કાંઇ હોતું નથી. તમે દિવસમાં 100 વખત પણ પડી ગયા હો તો પણ ઉભા થઇને ફરીથી ચાલવા માંડો, આટલું પૂરતું છે.

વચનબદ્ધતા કે પ્રતિબદ્ધતાનો અર્થ આક્રમકતા થતો નથી. આ એક જ મુદ્દે મહાત્મા ગાંધીનું દૃષ્ટાંત યોગ્ય અને યથોચિત છે. મહાત્મા ગાંધી ભારતની આઝાદીની લડતને સંપૂર્ણતયા વરેલા હતા પરંતુ તેઓ બ્રિટિશ પ્રજાના વિરોધી નહોતા. ગાંધી, માર્ટિન કે લિંકન આ તમામ મહાન પ્રતિભાઓના જીવનનો અંત બંદૂકની ગોળીથી આવ્યો હતો, પરંતુ આપણે એમ તો નથી કહેતા ને કે આ જગતને મહાન પ્રતિભાઓની જરૂર નથી કે અમે તમને લાયક નથી. આ મહાન પ્રતિભાઓના અકાળે કરૂણ અંત છતાં તેમનું જીવન એળે ગયું નથી.

માર્ટિન લ્યૂથર કિંગનું જીવન એક ગોળીથી અકાળે સમેટાયું હતું. માર્ટિનના ગાલ, ગળા અને ખભાને વિંધી ગયેલી ગોળીથી તેમના જીવનનો અંત આવ્યો પરંતુ તેમણે જન્માવેલા જુસ્સા થકી સૌને સમાન અધિકાર સાંપડ્યો અને અમેરિકાને વિભિન્ન દ્વેષભાવ ધરાવતી, પક્ષપાતી કાયદા – વ્યવસ્થાથી મુક્તિ મળી. માર્ટિન લ્યુથર કિંગે જન્માવેલા સૌ કોઇ સમાનવાળા જુસ્સાના પરિણામે જ અમેરિકા અન્ય રાષ્ટ્રો સમક્ષ માથું ઉંચું રાખી શકે છે. 1968માં માર્ટિન લ્યૂથર કિંગ ગોળીથી વિંધાયા તે કમનસીબ દિવસે કોઇ વિચાર્યું હશે કે એક દિવસ અશ્વેત ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ બનશે? માર્ટિનના સંઘર્ષપૂર્ણ જીવનની આ તાકાત હતી.

લોકો કોઇ ને કોઇ ભીતિના કારણે તેમની યોજનાઓ અને સ્વપ્નો અંગે ગભરાતા રહેતા હોય છે. આમ ના થયું તો શું થશે? આમ ના થયું તો કશું જ થશે નહીં, પરંતુ જો તેમ થાય તો તે સારૂં જ હોય. દરેકને તેના સ્વપ્ન હોય છે પરંતુ આપણામાંના કેટલા લોકો સ્વપ્ન સાકાર કરવા જિંદગી હોડમાં મૂકવા તૈયારી રાખીએ છીએ? જે સ્વપ્ન સાકાર કરવા તથા કાલે સારું શું થશે તેના માટે આજે આપણા જીવનને પણ હોડમાં મૂકવાની હિંમત જોઇએ તેટલું જ નહીં, ઉજ્જવળ આવતીકાલ માટે આજના એશોઆરામ છોડવા પણ પડે. આવી સ્પષ્ટ દીર્ઘદૃષ્ટિ અને પ્રતિબદ્ધતા જ મહાન માણસોને સામાન્ય માનવીથી અલગ પાડે છે.

– Isha Foundation