પરમાર્થ નિકેતન આશ્રમના અમેરિકામાં જન્મેલા ભારતના આદ્યાત્મિક વડા સાધ્વી ભગવતી સરસ્વતીના તાજેતરમાં રિલીઝ થયેલા પુસ્તક "હોલિવૂડ ટુ હિમાલયા"ના સન્માનમાં ન્યૂ યોર્ક ખાતેના કોન્સ્યુલેટ જનરલે ગુરુવારે એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું

ઋષિકેશના ખાતેના પરમાર્થ નિકેતન આશ્રમના અમેરિકન ભારતીય આદ્યાત્મિક વડા સાધ્વી ભગવતી સરસ્વતીના તાજેતરમાં રીલીઝ થયેલા પુસ્તક “હોલિવૂડ ટુ હિમાલયા”ના માનમાં ન્યૂ યોર્ક ખાતેના ભારતીય કોન્સ્યુલેટ જનરલે ગુરુવારે (9 સપ્ટેમ્બર) એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે યુનાઇટેડ નેશન્સ, વિવિધ સરકારો અને વિવિધ ધર્મના નેતાઓએ, આપણા સમુદાય અને આપણા વિશ્વમાં શ્રદ્ધાની શક્તિની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ભારતના વિદેશ અને સાંસ્કૃતિક બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન સુશ્રી મીનાક્ષી લેખી, યુએનના મહામંત્રીના વિશેષ સલાહકાર એલિશ એનડેરિટું, ન્યૂયોર્ક ખાતેના ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલ, પરમાર્થ નિકેતન આશ્રમના વડા પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, સેક્રેટરી જનરલ, રીલિજિયન્સ ફોર પીપલ્સ પ્રોફેસર એઝા કરમ ઉપસ્થિત રહ્યાં હતા.

સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિની બેઠકમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે પણ લોકોની શ્રદ્ધા (ધર્મ)માંથી મળતી સુરક્ષાને હાઇલાઇટ કરી હતી. ધર્મ, સંસ્કૃતિ અને લીડરશીપના સુભગ સમન્વય તરીકે યુનાઇટેડ નેશન્સ, વિવિધ સરકારો અને વિવિધ ધર્મના નેતાઓ આપણા, આપણા સમુદાયના અને આપણા વિશ્વના ઘા રૂઝવવા અને પરિવર્તન લાવવા શ્રદ્ધાની શક્તિની ઉજવણી કરવા એકત્ર થયા હતા.

પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી – મુનિજીએ જણાવ્યું હતું કે સાધ્વીના પુસ્તકની ઉજવણી કરવા આ બેઠકમાં પૂર્વ અને પશ્ચિમનો સુભગ સમન્વય થયો છે. છેલ્લાં 25 વર્ષથી સાધ્વી પૂર્વ અને પશ્ચિમ, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા અને હવે યુનાઇટેડ નેશન્સ અને સંયુક્ત સર્જનના સેતુ બન્યાં છે. શ્રદ્ધા આપણને નુકસાન પણ કરી શકે છે અને આપણા ઘા પણ રુઝવી શકે છે. શ્રદ્ધા વિભાજન અથવા એકતા લાવી શકે છે. આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે આપણી પસંદગી છે. અમે મદદ અને હીલિંગ માટે શ્રદ્ધાના ઉપયોગને સમર્પિત છીએ.

બેસ્ટસેલર બનેલા ‘હોલિવૂડ ટુ હિમાલયઃ એ જર્ની ઓફ હીલિંગ એન્ડ ટ્રાન્સફોર્મેશન’ પુસ્તકમાં સાધ્વી ભગવતી સરસ્વતી 25 વર્ષ પહેલા ભારતમાં આવ્યા ત્યારે તેમના જીવનમાં આવેલા અણધાર્યા પરિવર્તન તથા પવિત્ર ગંગા નદીના કિનારે દિવ્યતાની અનુભૂતિનું વર્ણન કર્યું છે. શ્રદ્ધા અને ભગવાન સાથે જોડાણને પગલે તેઓ વ્યક્તિગત કષ્ટમાંથી મુક્ત થયા હતા અને તેનાથી તેઓ વૈશ્વિક આરોગ્ય, જળ, સ્વચ્છતા અને આરોગ્ય તથા મહિલાના હકો અને શક્તિકરણ પર ફોકસ કરીને ધાર્મિક વડા તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી કરી શક્યા હતા.

આ પ્રસંગે યુએનના મહામંત્રીના સ્પેશિયલ એડવાઇઝર એલિશ એડેરિટુએ જણાવ્યું હતું કે “સાધ્વી ભગવતી સ્થાનિક શાંતિસર્જકોના સારતત્વનો નિચોડ છે. સામુહિક નરસંહાર નિવારણ અંગેના યુનાઇટેડ નેશન્સના સ્પેશિયલ એડવાઇઝર તરીકે હું વૈશ્વિક સ્તરે અત્યાચારનિવારણ કાર્ય આગળ ધપાવવા સાધવી ભગવતી અને બીજાં મહિલા ધાર્મિક વડા સાથે ભાગીદારી ચાલુ રાખીશ.”

સાધ્વી ભગવતી સરસ્વતી પીએચડીનો પ્રોગ્રામ છોડી, પતિને છૂટાછેડા આપીને હિન્દુ સંન્યાસી બન્યાં છે તથા સરળ અને વૈરાગી જીવનની પ્રતિજ્ઞાની લીધી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં જન્મેલા અને ઉછેરલા સાધ્વી ભગવતી ભારત આવ્યા અને સાધ્વીનું જીવન જીવી રહ્યાં છે.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં સાધ્વી ભગવતીએ શ્રદ્ધાની શક્તિથી પોતાના જીવનમાં કેવી રીતે આમૂલ પરિવર્તન આવ્યું તેની ઝલક આપી હતી. તેમણે જણાવ્યું હતું કે “સંપૂર્ણ તક અને સંપૂર્ણ વિશેષાધિકાર સાથે હોલિવૂડમાં પોતાનો ઉછેર થયો હતો, પરંતુ મારી પાસે શ્રદ્ધા નહોતી અથવા ભગવાન સાથે અનુસંધાન નહોતું. ગંગાના કાંઠે દૈવીતત્વ સાથે એકત્વની શક્તિશાળી, સંપૂર્ણ અણધારી અનુભૂતિ થયા બાદ મને મૂલ્ય સમજાયું કે હું બ્રહ્માંડની પવિત્ર પૂર્ણતાનો ભાગ છું અને હું તમામ સાથે એકત્વ ધરાવું છું.”