Mayor of London Sadiq Khan
Mayor of London Sadiq Khan (Photo by Tim P. Whitby/Tim P. Whitby/Getty Images)

લંડનના મેયર સાદિક ખાને ગયા વિકેન્ડમાં લેસ્ટરમાં થયેલી કોમી અથડામણ અને ‘મોટા પાયાની અશાંતિ’ અને ‘ગંભીર અવ્યવસ્થા’ના અહેવાલો વચ્ચે તમામ પ્રકારની નફરત, અસહિષ્ણુતા અને ઉગ્રવાદ સામે બન્ને સમુદાયના લોકોને સ્ટેન્ડ લેવા વિનંતી કરી જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ મુસ્લિમો અને બ્રિટિશ હિંદુઓ એક-બીજાના સાથી બનવા જોઈએ નહીં કે વિરોધીઓ. મારા દાદા-દાદી ભારતના હતા, મારા માતા-પિતા પાકિસ્તાનથી છે અને હું લંડનમાં જન્મ્યો અને ઉછર્યો છું અને બ્રિટનને મારું ઘર કહીને ગર્વ અનુભવું છું.”

પાકિસ્તાની મૂળના લંડનના મેયર સાદિક ખાને ગુરુવારે તા. 22ના રોજ ટ્વીટ્સની એક શ્રેણીમાં કહ્યું હતું કે “કેટલાક નાની લઘુમતીના લોકો દ્વારા આપણા સમુદાયો વચ્ચે ફાચર મારવાના કોઈપણ પ્રયાસોને જાહેરમાં લાવી બધાએ તેનો પ્રતિકાર કરવો જોઈએ. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા એકતાના બંધનને ફરી જાગ્રત કરીએ અને તેને મજબૂત કરીએ. યુકે અને સમગ્ર વિશ્વમાં વસતા દરેક વ્યક્તિને શાંતિથી જીવવાનો અને ભય કે ધમકીઓ વિના તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર હોવો જોઈએ.’’

મેયરે લેસ્ટર અને સ્મેથવિકના ‘બદસૂરત દ્રશ્યો’ને હૃદયદ્રાવક ગણાવી ટ્વીટ્સમાં જણાવ્યું હતું કે ‘’ભારત અને પાકિસ્તાન બંને મને પ્રિય છે અને મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. ઘણા લંડનવાસીઓ વિશ્વના વિવિધ ભાગોમાં તેમના કુટુંબનો ઇતિહાસ શોધી શકે છે, હું મારા વારસા સાથે મજબૂત જોડાણ અનુભવું છું. બ્રિટિશ મુસ્લિમો અને બ્રિટિશ હિંદુઓમાં તેમને વિભાજીત કરતા પરિબળો કરતાં ઘણી વધુ સામ્યતા છે. પોતાના સ્વાર્થી હેતુઓ માટે આપણા સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવા માંગતા ઉગ્રવાદી દળો સામે આપણે સદાકાળ સાવચેત રહેવું જોઈએ. એક પેઢીથી, એશિયન પરિવારો યુકેમાં મિત્રો અને પડોશીઓ તરીકે સાથે રહે છે. ઉપ-મહાદ્વીપની રાજનીતિને અહીં ઘરે ફેલાવવાની કે આપણા સંબંધોને અસર કરવાની મંજૂરી આપવી જોઇએ નહિં.”

મેયરે જણાવ્યું હતું કે “આપણે વર્તમાન અથવા ભૂતકાળના તણાવ અને પ્રદેશના વ્યાપક રાજકારણનો ઉપયોગ તે એકતાને તોડવા અથવા આપણી શેરીઓમાં મુશ્કેલી ઉભી કરવા માટેના એક બહાના તરીકે થવા દઈ શકીએ નહીં. આપણે તાજેતરના દિવસોમાં મિડલેન્ડ્સમાં જે જોયું છે તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે, અને હું તમામ હિંસા, ઉત્પીડન અને ધાકધમકીનો પૂરા દિલથી નિંદા કરું છું.’’

મેયર ખાને લંડનમાં એશિયન હિંદુ અને શીખ પડોશીઓ, મુસ્લિમ, શ્વેત અને અશ્વેત લંડનવાસીઓ સાથે ઉછરતી વખતે અનુભવેલી એકતાને પણ યાદ કરી હતી.

28 ઓગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ બાદ અશાંતિ શરૂ થઈ હતી અને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના ચાહકો કથિત રીતે ઘર્ષણમાં ઉતર્યા હતા. શનિવારે તા. 17ના રોજ લેસ્ટરમાં બિનિયોજિત વિરોધ કરવાના બનાવ બાદ મુશ્કેલીઓ વધી ગઈ હતી. તા. 20ને મંગળવારે 200થી વધુ માસ્ક પહેરેલા માણસોએ સ્મેથવિકના સ્પોન લેન પર દુર્ગા ભવન મંદિરની બહાર ઉગ્ર વિરોધ કર્યો. તાજેતરની અથડામણોને પગલે, હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના નેતાઓએ શાંતિ અને એકતા માટે અપીલ કરી છે.

LEAVE A REPLY

17 + 15 =