London Mayor appeals to avoid car travel to avoid air pollution

યુકેની રાજધાની લંડનના મેયર સાદિક ખાને મંગળવારે તા. 24ના રોજ ઉચ્ચ વાયુ પ્રદૂષણની ચેતવણી આપી લંડનવાસીઓને સાવચેત રહેવાનું આહ્વાન કરી આગામી થોડા દિવસો માટે કારની બિનજરૂરી મુસાફરી ટાળવા, શક્ય હોય ત્યાં ચાલવા, સાયકલ ચલાવવા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા, સિગ્નલ પર એન્જિન બંધ કરવા અને બગીચાનો કચરો ન બાળવા વિનંતી કરી હતી.

લંડને ગયા સપ્તાહના અંતથી મધ્યમ વાયુ પ્રદૂષણનો અનુભવ કર્યો છે. સતત ઠંડી, સ્થિર અને ધુમ્મસભરી સ્થિતિને કારણે વાહનોનો ધુમાડો અને ઉત્સર્જન ઓછું થઇ શકતું નથી. આ સ્થિતીને રોકવા માટે ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક પર પ્રદૂષણની ચેતવણી આપતા સંદેશાઓ પ્રદર્શિત કરશે. શહેરની શાળાઓને પણ આ અંગે સૂચિત કરાશે.

મેયરે ખાને કહ્યું હતું કે “અમે જાણીએ છીએ કે લંડનવાસીઓ માટે ઝેરી હવા કેટલી જોખમી છે, તેથી જ હું મારી શક્તિ હોય એટલું બધું કરી રહ્યો છું. આ ચેતવણી બતાવે છે કે લંડનમાં ઝેરી હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે અલ્ટ્રા લો એમિશન ઝોન (ULEZ)નો વ્યાપ વિસ્તારવાનું શા માટે મહત્વનું છે.’’

આ ULEZ, દૈનિક સરચાર્જ સાથે સૌથી વધુ પ્રદૂષિત વાહનોને લક્ષ્યાંકિત કરે છે અને ULEZ  વિસ્તારમાં પ્રવેશવા માટે પ્રદુષિત વાહનોના ડ્રાઇવરોએ £12.50 ચાર્જ ચૂકવવો પડે છે. આ યોજના આ વર્ષના અંતથી લંડનના તમામ બરોમાં લાગુ થશે.

LEAVE A REPLY

1 × three =