પૂ.  સાહેબજીએ જણાવ્યું હતું કે ‘’હું એમેસસીમાં ભણતો હતો ત્યારે BAPS સંસ્થા સાથે જોડાયેલો હતો અને પૂ. યોગીબાપાની  કૃપા દ્રષ્ટી મારા પર વરસતી હતી. હું, શાંતિભાઇ અને અશ્વિનભાઇ BAPSની યુથ વિંગમાં કામ કરતા. અમે મંદિરોમાં સેવાઓ આપતા, યુથ સભાઓ કરતા. અમારી યુવાનોની સભામાં તે વખતે 350 છોકરા આવતા. અમને હોસ્ટેલની જવાબદારી સોંપાઇ હતી. દાદુકાકાના માર્ગદર્શન હેઠળ અમે પ્રવૃત્તીઓ કરતા. અમે તા. 17મી મે 1966ના રોજ પૂ. યોગીબાપાનો 75મો જન્મ દિવસ ઉજવવા માંગતા હતા. તેના 6 માસ પહેલા પૂ. પ્રમુખ સ્વામી મહારાજે અમને 4 યુવકોને આ કાર્યક્રમના આયોજનની માહિતી લેવા માટે બોલાવ્યા હતા. મેં તેમની સમક્ષ જણાવ્યું હતું કે અમે 3 દિવસનો કાર્યક્રમ યોજવા માંગીએ છીએ. જેમાં રહેવા જમવાની વ્યવસ્થા કરાશે અને તે ઉત્સવ માટે એક પણ પૈસો અમે મંદિર પાસેથી લઇશું નહિં. અમે પૂ. યોગીબાપાને મળવા જતાં તેમણે અમને જણાવ્યું હતું કે આ ઉત્સવની પરવાનગી મેં તમને આપી નથી. હું તમને તો જ સંમતી આપું જો તમે 11 યુવાનો સાધુ થાવ. અમે પણ તે માટે તૈયાર જ હતા. પૂ. યોગી બાપાએ અમને સાધુઓએ પાળવાના હોય તેવા આકરા નિયમો આપ્યા હતા.’’

પૂ. સાહેબ દાદાએ જણાવ્યુ હતું કે ‘’ઉત્સવના ત્રણ દિવસ પહેલા તા. 14ના રોજ સવારે પાંચ વાગ્યે પૂ. યોગી બાપાએ પાસે બોલાવીને મારો શર્ટ પકડીને જણાવ્યું હતું કે અમારે તમને ભગવા કપડા નહિં પણ આ જ કપડે 11 યુવાનોને ભગવા હ્રદયના સાધુ બનાવવા છે. તમે મારા જન્મ દિનનો ઉત્સવ કેન્સલ કરો. પૂ. શાંતિભાઇ ત્યારે બોટનીના પ્રોફેસર હતા, તો અશ્વિનભાઇ એન્જીનીયર હતા. સત્સંગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી હતી. અમે 1976માં અનુપમ મિશનના સ્થાપના કરી હતી. અમને એક ભક્તે અનુપમ બંગલો બાંધી આપ્યો હતો. અમારે સંસારમાં રહીને સાધુની જેમ સેવા કરવાની હતી. અમે ભગવા નહોતા પહેર્યા કે લોકો અમને દાન આપે તેથી જીવનખર્ચ કાઢવા અમે GIDCમાંથી લોન લઇને ફેક્ટરી નાંખી હતી હાલમાં અમે ફાર્માસ્યુટીકલ કંપનીઓના પેકેજીંગ માટે ગમ બનાવીએ છીએ જેનું સંચાલન સાધકો કરે છે. અમે સંસ્થાને સ્વાવલંબી બનાવી છે. 1992માં મિશનના સંપર્કમાં આવેલ યોગગુરૂ બાબા રામદેવ આજે પણ મિશનના સ્વાશ્રયી પગલાનો આદર કરી પોતાને અનુપમ મિશનમાંથી પ્રેરણા મળી હોવાનું જણાવે છે.’’

પૂ. દાદાએ કહ્યું હતું કે ‘’અમે મોગરી ગામમાં  40 એકર જમીનમાં આશ્રમ ઉભો કર્યો છે. ત્યાં યોગી વિદ્યાપીઠમાં કેજીથી લઇને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ ભણે છે. નડિયાદમાં 3,500 બાળકોની શાળા ચલાવીએ છીએ. ધરતી કંપમાં અનાથ બનેલા 50 બાળકો માટે આદિપુરના સિનાઇ ગામે આશ્રમ બનાવ્યો હતો. પૂ. દાદાએ અમરેલી જીલ્લાના ઘારીમાં પણ બહેનો માટે કોલેજ શરૂ કરાવી કન્યા કેળવીણીને ઉત્તેજન આપ્યું છે. તે બાળકો ભણીને મોટા થતાં અમે ત્યાં પ્રાથમિક શાળાનું નિર્માણ કર્યું છે. અમે કરજણ પાસે વહેમાળ ગામમાં શાળા સ્થાપી છે. નર્મદા જીલ્લાના 35 ગામોમાં અમે વીટામીનની ડેફીશીયન્સી અંગે સમજ આપી વીટામીન્સ આપીએ છીએ. તો શાળામા બાળકોને પુસ્તકો અને નોટબુક્સ આપીએ છે. લોકોએ અમને સાધુ તરીકે સ્વિકારી ડોન્શન્સ આપવાનું શરૂ કરતા અમારૂ કાર્ય વેગવાન બન્યું હતું. સ્મૃતિ ઇરાનીએ આપેલી એક એમ્બ્યુલન્સ દ્વારા ખેડા, આણંદ અને નર્મદા જીલ્લાના ગામોમાં ડોક્ટરો અને નર્સોની મદદથી મેડિકલ નિદાન કેમ્પ ચલાવીએ છીએ. તો વિદ્યાનગરમાં અમે હેલ્થ સેન્ટર ચલાવીએ છીએ. અમે બ્રહ્મજ્યોતિ પ્રજ્ઞાન તિર્થમાં યુવાન-યુવતીઓ માટે 7 દિવસનો કેમ્પ ચલાવીએ છીએ.

પૂ. સાહેબજીએ જણાવ્યું હતું કે ‘’આજે અમારી પાસે 110 સાધુ છે. ડો. મનોજભાઇએ પણ દિક્ષા લીધી છે. વિદ્યાનગર, માણાવદર, અમદાવાદ, ન્યુ મુંબઇ, સુરત, લંડનના ડેન્હામ, અમેરિકામાં એલનટાઉન, ઓર્લાન્ડો, રીચમંડ, ટોરોન્ટો, ઓસ્ટ્રેલીયા, અને ન્યુઝીલેન્ડમાં અમારા કેન્દ્રો ચાલે છે.