Salman Khan
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા મળેલી ધમકીના પગલે સલમાન ખાને બંદૂકનું લાઈસન્સ મેળવવા માટે મુંબઈ પોલીસ સમક્ષ અરજી કરી હતી. સલમાનની અરજી સંદર્ભે જરૂરી તપાસ અને પ્રક્રિયા પછી પોલીસે બંદૂક રાખવા માટે મંજૂરી આપી છે. સલમાન ખાન અગાઉ અમિતાભ બચ્ચન અને સની દેઓલે પણ ગન રાખવાની મંજૂરી લીધી છે.

પંજાબમાં જાણીતા ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ હત્યા થઈ હતી. તેના થોડા દિવસો પછી સલમાન ખાનના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકીવાળો લેટર મળ્યો હતો. આ ધમકીને ગંભીરતાથી લઈને સલમાનની સિક્યુરિટી વધારવામાં આવી હતી. દરમિયાન સલમાને પણ સ્વ બચાવ માટે ગન લાઈસન્સ મેળવવા તજવીજ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત મહિને સલમાને મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ, લાઈસન્સ મંજૂર કરતાં પહેલા ફિઝિકલ વેરિફિકેશનનો હતો. સલમાન સામેના ક્રિમિનલ રેકોર્ડ ચકાસવા સહિતની પ્રક્રિયા પૂરી થયા પછી પોલીસે સલમાનની અરજીને મંજૂર કરી છે.

સલમાન ખાન પહેલાં પણ કેટલાક બોલિવૂડ સ્ટાર્સે ગન લાઈસન્સ મંજૂર કરાવેલું છે. અમિતાભ બચ્ચન પોતાની પાસે લાઇસન્સવાળી રિવોલ્વર રાખે છે. બચ્ચને પોતે આ અંગે સોશિયલ મીડિયા પર જણાવી ચૂક્યા છે. એક્શન હીરો અને પંજાબમાંથી ભાજપના સાંસદ સની દેઓલ સ્વરક્ષણ માટે લાઈસન્સવાળી બંદૂક રાખે છે. પૂનમ ધિલ્લોને પણ અગાઉ જણાવ્યું હતું કે, સેલ્ફ ડિફેન્સ માટે તેઓ પણ પોતાના ઘરે હથિયાર રાખે છે. સૈફ અલી ખાનની બહેન સોહા અલીએ 16 વર્ષની ઉંમરે ગન લાઈસન્સ મેળવ્યુ હતું. પછી તેમાં વિવાદ થતાં સોહાનું લાઈસન્સ સસ્પેન્ડ કરાયું હતું.