ભારતમાં મીઠાનું વધારે ઉત્પાદન કરતા ગુજરાત જેવા રાજ્યોમાં તેને પકવવાની કામગીરી મોડી થતાં દેશમાં મીઠાના કુલ ઉત્પાદન અંદાજે 30 ટકા ઘટવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
ગત વર્ષે ચોમાસાની સીઝન વધુ ખેંચાતા મીઠા ઉત્પાદક વિસ્તારોમાં મોટાભાગના અગરો પાણીથી ભરેલા હતા અને તેથી મીઠું પકવવાની કામગીરી મોડી શરૂ થઇ હતી. આથી આ વર્ષે ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન ઘટવાની સંભાવના છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 3 કરોડ ટન મીઠાનું ઉત્પાદન કરે છે અને તેમાં ગુજરાતનો લગભગ 90 ટકા હિસ્સો છે. ગત વર્ષે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદ નોંધાયો હતો. તેથી અગરિયાઓને તેના ઉત્પાદનની પ્રક્રિયા માટે ઓછો સમય મળ્યો હતો. સામાન્ય રીતે રાજ્યમાં મીઠુ પકવવાનું ઓગસ્ટથી શરૂ થઇ જાય છે. મીઠાનું ઉત્પાદન 30 ટકાથી વધુ ઘટવાના મુદ્દે ભારત સરકાર તેની નિકાસ પર નિયંત્રણો લાદી શકે છે એવું મીઠાના નિકાસકારે માની રહ્યા છે. ભારત તેના મીઠા કુલ ઉત્પાદનમાંથી અંદાજે એક કરોડ ટનની નિકાસ કરે છે, તો 1.25 લાખ ટન જથ્થાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે થાય છે અને બાકીનો જથ્થાનો ઉપયોગ ઘરેલુ ગ્રાહકો કરે છે. મીઠાના ઉત્પાદનમાં ઘટાડો એ કાચ, પોલિસ્ટર, પ્લાસ્ટિક, કેમિકલ્સ અને અન્ય મહત્વપૂર્ણ ઉદ્યોગો પર ઉંડી અસર કરશે. અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વમાં મીઠાનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને વિશ્વના 55 દેશોમાં નિકાસ કરે છે.
ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને મીઠાને ખાણકામની ચીજવસ્તુ તરીકે નહીં, પણ કૃષિ ઉત્પાદન તરીકે માન્યતા આપવાની માગણી વ્યક્ત કરી છે.