પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુરોપના દેશોમાં પાણીને શુદ્ધ અને પીવાલાયક બનાવવા માટે કચ્છમાં ઉત્પાદિત સોલ્ડ ટેબ્લેટ્સનો વપરાશ વધ્યો છે. સોલ્ટ ટેબ્લેટની સોડિયમ ક્લોરાઈડ ટેબ્લેટના વૈશ્વિક બજારમાં પહેલા ચીનનું વર્ચસ્વ હતું. ચીનને હવે કચ્છના ઉત્પાદકો સ્પર્ધા આપી રહ્યા છે.

ભારતમાં કચ્છના માત્ર ત્રણ ઉત્પાદકો સોડિયમ ક્લોરાઈડ ટેબ્લેટ બનાવવામાં ઈજારાશાહી ધરાવે છે. સ્થાનિક બજારોમાં ભાગ્યે જ તેની માગ જોવા મળતી હોવા છતાં તેમના નિકાસના આંકડા પ્રભાવશાળી છે. ત્રણેય ઉત્પાદકો યુકે, ફ્રાન્સ, જર્મની, ઈટલી તેમજ કતાર, સાઉદી અરેબિયા, બેહરિન અને દુબઈ જેવા અખાતી દેશોમાં વર્ષે આશરે 7 હજાર ટન સોડિયમ ક્લોરાઈડ ટેબ્લેટની નિકાસ કરે છે.

ચાઈનીઝ સોડિયમ ક્લોરાઈડ ટેબ્લેટનો એક ટનનો ભાવ 120થી 200 ડોલર છે જ્યારે ભારતીય ટેબ્લેટના એક ટનનો ભાવ 120 ડોલર છે. દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાં પણ ટેબ્લેટની ભારે માગ છે.સોલ્ટ ટેબ્લેટને કાચા માલ તરીકે ઉચ્ચતમ ગુણવત્તાવાળા અને પ્રીમિયમ ડબલ રિફાઈન્ડ મીઠાની જરૂર પડે છે. એક ટેબ્લેટનું વજન 7થી 15 ગ્રામની વચ્ચે હોય છે.

યુરોપિયન, અખાતી અને દક્ષિણ અમેરિકાના દેશોમાં પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વોનું પ્રમાણ વધારે હોય છે. આવા પાણીના કારણે સ્કિનની સમસ્યા અને હેર ફોલ થઈ શકે છે.

ગાંધીધામમાં ટેબ્લેટના એક ઉત્પાદકે જણાવ્યું હતું કે, સ્થાનિક બજારમાં પણ ઓછી પરંતુ માગ છે. ‘વિદેશી બજારોમાં ટેબ્લેટનું મોટું માર્કેટ છે. પરંતુ ધીમે-ધીમે ભારતના મેટ્રો સિટીના લોકોમાં પણ સોફ્ટ વોટરનો ઉપયોગ કરવાના લાભ વિશે જાગૃતિ આવી રહી છે’.