Sanatan Mandir Gardiner

બેરી ગાર્ડિનર દ્વારા

લેબર એમપી, બ્રેન્ટ નોર્થ

ઓળખની રાજનીતિ યુકેમાં આપણા સમુદાયોને ચેપ લગાવી રહી છે. ગયા અઠવાડિયે કેટલાક હેટ પ્રીચર્સે નક્કી કર્યું કે મારા મતવિસ્તાર  બ્રેન્ટમાં આવેલા હિંદુ મંદિર સામે પ્રદર્શનનું આયોજન કરવું જોઇએ. મેં તરત જ જણાવ્યું હતું કે તેમની ઉશ્કેરણીજનક પોસ્ટ ધાર્મિક દ્વેષ અને ઉશ્કેરાટ ફેલાવે તેવી હતી અને તે એક અપરાધ છે જેના કારણે જેલની સજા થઈ શકે છે. મેં સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ વિરોધ પ્રદર્શન કરનારાઓએ પીછેહઠ કરી એનાથી દૂર રહેવું જોઈએ.

મંદિર સામે વિરોધ કરનારા લોકોના પ્રયાસો વ્યર્થ જાય તે માટે પછીના નવ કલાક ખૂબ જ તનાવભર્યા હતા: સ્થાનિક રહેવાસીઓ, ભક્તો અને મંદિરની સુરક્ષા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની ખાતરી કરવા બરો કમાન્ડર ઑફ પોલીસ સાથે વાત કરવી; કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ સાથે સંપર્ક સાધવો, ધાર્મિક નેતાઓ અને ભારતીય ટીવી પત્રકારોને મળવાનું હતું.

મુખ્ય બાબત એ સમજવાની હતી કે પ્રદર્શન પાછળ રહેલા નફરતથી ભરેલા લોકો શું ઈચ્છે છે. તેઓ લડાઈ ઇચ્છતા હતા! મારું કામ તેઓ સફળ ન થાય તેની ખાતરી કરવાનું હતું. સમજી શકાય તેવું છે કે, હિંદુ સમુદાયના કેટલાક લોકો મંદિરના બચાવ માટે સામુ વિરોધ પ્રદર્શન કરવા માંગતા હતા. સનાતન મંદિરના અધ્યક્ષ નરેન્દ્ર ઠકરાર અને બ્રેન્ટ હિંદુ કાઉન્સિલના પ્રમુખ નિર્મલા પટેલ જેવા નેતાઓ બંને બહુ હોંશિયાર હતા. તેમણે લોકોને મંદિરમાં જવા, પ્રાર્થના કરવા, આરતી કરવા વિનંતી કરી હતી, પરંતુ કોઈપણ પ્રદર્શનકારીઓ સાથે રકઝક ન કરવા જણાવ્યું હતું. સ્પષ્ટ કરાયું હતું કે ભારતીય સમુદાયે પોતાની ઓળખમાં આત્મવિશ્વાસ રાખવા માટે જાતિવાદીઓ સામે માર્ચ, પરેડ કરવાની અને ધ્વજ લહેરાવવાની જરૂર નથી.

બંને બાજુએ ઓળખની રાજનીતિને ઘૃણાસ્પદ રીતે ઉશ્કેરવામાં આવી રહી છે. તમે તેને હિંદુ-મુસ્લિમ વિભાજન કે ભારત-પાકિસ્તાનનું વિભાજન કહો તેનાથી કોઈ ફરક પડતો નથી. કેટલાક લોકો માને છે કે તેઓ તેમની શક્તિનો આધાર સ્થાપિત કરી શકે છે. “તમે એક સારા હિંદુ, સારા મુસ્લિમ અથવા સારા શીખ છો તે સાબિત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે ઉભા થઈને અને બીજી તરફના લોકોને નફરત કરો.” અને તે સાચું નથી. જે લોકો તે કરે છે તેઓ દુષ્ટ અને ભયાનક છે, અને તેઓ યુકેમાં આપણા રાજકારણને ભ્રષ્ટ કરી રહ્યાં છે.

દરેક સમુદાયના આગેવાનો માટે કોઇની સામે આંગળી ચીંધવી સરળ છે. પરંતુ પોતાના લોકો તરફ આંગળી ચીંધવી કે વખોડવા તે વધુ મુશ્કેલ છે. તે જ મહત્વનું છે. સાચા નેતાઓ એ કહે છે કે “જુઓ તમે શું કરી રહ્યાં છો અને સમુદાય પર આધારિત મૂલ્યોને કેવી રીતે ભ્રષ્ટ કરી રહ્યાં છો.”

હું સ્પષ્ટ છું કે જ્યારે અમે બેટલી અને સ્પેનની પેટાચૂંટણીમાં મીલીટન્ટ ઈસ્લામિક રિસ્પેક્ટ પાર્ટી સામે આવ્યા ત્યારે આવી ગટરની રાજનીતિમાં લેબર પાર્ટી પોતે જ દોષિત રહી છે. મુસ્લિમ સમુદાયના કેટલાક પરંપરાગત લેબર મતો તેમની ડેમેગોગરી તરફ આકર્ષાતા લેબરે જૉન્સનને વડા પ્રધાન મોદી સાથે જોડતી એક અસ્પષ્ટ પત્રિકા બહાર પાડી હતી. ભારતીય સમુદાયે તેનો વિરોધ કર્યો હતો અને એકદમ યોગ્ય પણ હતો. તે એક ભૂલ હતી અને તેનું પુનરાવર્તન ન થવું જોઇએ. આપણે હંમેશા મતદારોને આપણા મૂલ્યોના આધારે અપીલ કરવી જોઈએ નહીં કે ઓળખના આધારે.

જો પક્ષ લેબર કોંગ્રેસ ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન્સ શરૂ કરે તો આપણે વિચારવું રહ્યું કે શા માટે આપણે આમ કરી રહ્યા છીએ? શું ભારતીય સમુદાયના મત જોઈએ છે? હું નથી ઈચ્છતો કે કોઈ પણ સમુદાયના 80, 90 કે 100 ટકા લોકો માત્ર એક પક્ષને મત આપે. જો તેઓ તેમ કરશે તો તેઓ વોટ બેંક ગણાશે. પરંતુ અમે માનીએ છીએ કે “ભારતીય સમુદાય પાસે મૂલ્યો છે, અમે શીખી શકીએ છીએ; વિચારો, નવીનતા અને મહત્વાકાંક્ષા ધરાવીએ છીએ, જેને આપણા દેશના ભલા માટે સમજવાની અને તેનો ઉપયોગ કરવાની જરૂર છે.” આજ સાચું કારણ છે અને આ સંસ્થા માટેનો યોગ્ય હેતુ છે.

તમામ પક્ષોએ ઓળખની રાજનીતિને આપણા સમુદાયોને પ્રભાવિત ન થવા દેવી જોઈએ. ઉપખંડની રાજનીતિ અને વિવાદોને અહીં યુકેમાં આપણી રાજનીતિમાં આયાત કરી મત મેળવવા માંગતા લોકોને અટકાવી એવા લોકો સામે ઉભા થવું જોઈએ. લેસ્ટર આપણા બધા માટે ચેતવણી સમાન છે અને તે રમખાણોથી કોઈ સમુદાયને ફાયદો થયો નથી. બંને પક્ષોએ શાંતિ અને આદરના મૂલ્યોને ક્ષીણ કર્યા છે.

LEAVE A REPLY

5 × 2 =