સાઉથ ઇસ્ટ લંડનમાં આવેલી એચએમપી બેલમાર્શ જેલના કેદી 36 વર્ષીય સંદીપ સિંહ ખુમાનની હત્યા કરવા બદલ તેનો સેલ શેર કરતા સ્ટીવી હિલ્ડન નામના 31 વર્ષીય સાથી કેદીને શુક્રવાર, 15 જુલાઈના રોજ વૂલીચ ક્રાઉન કોર્ટમાં ઓછામાં ઓછા 17 વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

ખુમાનની હત્યા બદલ તેને 16 મેના રોજ તે જ કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 18 ફેબ્રુઆરી 2020 ના રોજ સાજે 5-30 કલાકે સેલમાંથી અવાજો આવતા અધિકારીઓ સેલમાં પ્રવેશી તપાસ કરતા સંદીપ ગંભીર ઈજાઓ સાથે મળી આવ્યો હતો. સંદીપને જીવલેણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાતા બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું.

માનવામાં આવે છે કે હિલ્ડને હુમલો કરવા માટે ટેબલના પાયાનો ઉપયોગ કર્યો હતો. હિલ્ડને ધરપકડ બાદ કોઈપણ પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.  હિલ્ડન એક ખતરનાક ગુનેગાર છે અને તે હવે ઉચ્ચ સુરક્ષાવાળી જેલમાં નોંધપાત્ર સમય વિતાવશે.

સંદીપની માતા હરપાલ ખુમાણે કહ્યું હતું કે “મારા પુત્રની નિર્દય રીતે હત્યા કરાઇ હતી. સંદીપને જે દર્દ અને વેદનામાંથી પસાર થવું પડ્યું છે તે મને ખૂબ જ પરેશાન કરે છે. મિસ્ટર હિલ્ડને તેના કાર્યો માટે કોઈ પસ્તાવો દર્શાવ્યો નથી. જેલ અને પોલીસના અધિકારીઓ અને બેરિસ્ટરોનો મારા પુત્રને ન્યાય અપાવવા બદલ આભાર માનું છું.”