રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસબલે. (ANI Photo)

રોટી, કપડા અને મકાન જેવી જીવનઆવશ્યક ચીજવસ્તુઓ સસ્તી હોવી જોઇએ તેવું લોકો ઇચ્છે છે તેના પર ભાર મૂકીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ દત્તાત્રેય હોસબલેએ જણાવ્યું છે કે ફુગાવો અને ખાદ્ય ચીજવસ્તુઓ વચ્ચેના જોડાણ અંગે ગંભીર વિચારણા કરવાની જરૂર છે. દરેક વ્યક્તિ માટે આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી હોવી જોઇએ, પરંતુ ખેડૂતો પર તેનો માર પડવો જોઇએ નહીં.

વિરોધ પક્ષો મોંઘવારી તથા લોટ અને દૂધ જેવી પાયાની ફૂડ આઇટમ પર ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલના મુદ્દે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી રહ્યાં છે ત્યારે આરએસએસએ પણ મોંઘવારીનો સળગતો મુદ્દો ઉઠાવ્યો છે.

આરએસએસની સંલગ્ન સંસ્થા ભારતીય કિસાન સંઘ તથા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ અને ભારતીય એગ્રો ઇકોનોમિક રીસર્ચ સેન્ટરના ઉપક્રમે યોજાયેલા કૃષિ અંગેના આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં આરએસએસના નેતા પ્રવચન આપી રહ્યાં હતા.

ફુગાવો અને ફૂડ આઇટમના ભાવ વચ્ચેના લિન્કેજ અંગે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ રજૂ કરેલા પ્રેઝન્ટેશનનો ઉલ્લેખ કરતાં હોસબલેએ જણાવ્યું હતું કે ફુગાવો અને ખાદ્યચીજવસ્તુઓ વચ્ચેના જોડાણના મુદ્દા પર ગંભીર વિચારણા કરવાની જરૂર છે. આ પ્રેઝન્ટેશનમાં સૂચન કરાયું હતું કે લોકો ઔદ્યોગિક પ્રોડક્ટ્સ માટે વધુ ભાવ ચુકવવા તૈયાર છે, પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓ માટે નહીં. તે દેખિતું છું કે લોકો ભોજન, કપડા અને મકાન સસ્તા હોય તેવું ઇચ્છે છે, કારણ કે તે જીવન માટે પાયાની જરૂરિયાત છે. સહકારી સંસ્થાઓ આ સંદર્ભમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ અંગે તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં 75 વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ આપણા તમામ માટે ગર્વની બાબત છે. ભારત ભીખના કટોરાની જગ્યાએ અનાજનો નિકાસકર્તા દેશ બન્યો છે. ભારત અનાજ માટે માત્ર આત્મનિર્ભર બન્યો નથી, પરંતુ બીજા દેશોમાં પણ અનાજની નિકાસ કરી શકે છે. તેનો શ્રેય અત્યાર સુધીની તમામ સરકારો, વિજ્ઞાનીઓ અને ખેડૂતોને જાય છે.

ખેડૂતોના દરજ્જાને ઊંચો લઈ જવાની બાબત પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે કૃષિને આકર્ષક બનાવવા એક આંદોલનની જરૂર છે. તેનાથી ગામડામાંથી શહેરોમાં ઝડપથી સ્થળાંતરને રોકવામાં પણ મદદ મળશે. ખેડૂતો માટે કોઇ ખાતરીપૂર્વકની આવક નથી અને તેમની આજીવિકા વરસાદ જેવા ઘણા બાહ્ય પરિબળો પર નિર્ભર છે. કાચા માલના વધતા જતાં ભાવ જેવા પડકારો છે. પરંતુ મને દેખાય છે કે ખેડૂતોના સામાજિક દરજ્જામાં ઘટાડો થઈ રહ્યો છે. સરકારના સૌથી ઓછા મહત્ત્વના કાર્યક્રમોમાં પણ વકીલો અને સ્કૂલના પ્રિન્સિપાલોને આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આમંત્રણ મળતું નથી.

તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોના એવા ઔદ્યોગિકરણ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, જેનાથી શહેરોમાંથી ગામડામાં બિનઆયોજિત સ્થળાંતરને અટકાવી શકાય. પી વી નરસિંહ રાવે શરૂ કરેલી એનસીઆરઆઇ જેવી ઇન્સ્ટીટ્યૂટ્સને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

ભારતની ખેતીની પદ્ધતિઓ હંમેશા સમય કરતાં આગળની રહી હોવાનો ઉલ્લેખ કરતાં હોસબલેએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓએ ભારતની પ્રાચીન પદ્ધતિઓનો પણ ફરજિયાત અભ્યાસ કરવો જોઇએ. તેમાં ખેતીની શ્રેષ્ઠ પરંપરાગત પદ્ધતિઓ છે.