અમદાવાદ સાયન્સ સિટીમાં રૂ.260 કરોડના ખર્ચ સાથે નિર્માણ કરવામાં આવેલા આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 16 જુલાઈએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે ત્રણ નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.

ભારતનું સૌથી મોટું એક્વેરિયમ

રૂ.260 કરોડના ખર્ચ સાથે નિર્માણ કરવામાં આવેલા આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છેય આ એક્વેટિક ગેલરીનું મહત્ત્વનું પાસું એ છે કે અહીં 188 પ્રજાતિની 11600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલી જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે, જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.

રોબોટિક ગેલરી

બીજી આકર્ષણ આશરે 11,000 ચોરસમીટરમાં ફેલાયેલા અને રૂ.127 કરોડના ખર્ચે તૈયાર થયેલા રોબોટિક ગેલરીનો સમાવેશ થાય છે. અહીં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને એની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે, જેમ કે મેડિસિન, એગ્રિકલ્ચર, સ્પેસ, ડિફેન્સ વગેરે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવશે. વળી, 16 રોબોગાઈડ અહીં આવનારા મુલાકાતીઓને ગાઈડ કરશે.

20 એકર જમીનમાં નેચર પાર્ક

રૂ.14 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને 20 એકરમાં પથરાયેલા નેચર પાર્કમાં 380થી વધુ સ્પીસિસ જોવા મળશે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જિમ અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભુલભુલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે, જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉન્ડેડ સ્લોથ બેર, ઊધઈના રાફડા અને મધપૂડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે.