Original Shiv Sena under Uddhav: Raut
(ANI Photo)

મની લોન્ડરિંગ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રવિવારે વહેલી સવારે મુંબઈમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતના બંગલે દરોડા પાડ્યા હતા અને તેમની નવ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરી હતી. આ પછી રાઉતને અટકાયતમાં લઇને સાંજે દક્ષિણ મુંબઇમાં ઇડીની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. રાઉતના બંગલેથી ઇડીને રૂ.11.5 લાખ રોકડ મળ્યા હોવાનું પણ માનવામાં આવે છે.

સવારે સાત વાગે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો સાથે ઇડીના અધિકારીઓ રાઉતના મૈત્રી બંગલો પર ત્રાટક્યા હતા અને સર્ચ કાર્યવાહી ચાલુ કરી હતી.મુંબઇના ભાંડુપ ખાતેના બંગલેથી ઇડી ઓફિસમાં લાવવામાં આવ્યા ત્યારે રાઉતે જણાવ્યું હતું કે ઇડી મારી ધરપકડ કરવા જઈ રહી છે. મારી ધરપકડ થશે. આક્રમણ અંદાજમાં તેમણે જણાવ્યું હતું કે ઝુકેગા નહીં.

તેમણે આક્ષેપ કર્યો હતો કે ઇડી શિવસેના અને મહારાષ્ટ્રને નબળું પાડવા માગે છે. તેમની સામે ખોટો કેસ તૈયાર કરાયો છે. વહેલી સવારે ઇડીની કાર્યવાહી ચાલુ થયા બાદ રાઉતે ટ્વીટ કર્યું હતું કે તેઓ મોતનું વ્હાલું કરશે, પરંતુ આત્મસમર્પણ કરશે નહીં કે શિવસેનાને છોડશે નહીં.

ઇડીએ અગાઉ બે વખત રાઉતને સમન્સ આપ્યું હતું, પરંતુ રાઉત ઇડી સમક્ષ હાજર થયા ન હતા. આ પછી રવિવારે ઇડીએ અચાનક કાર્યવાહી ચાલુ કરી હતી. ઇડી મુંબઇ ચોલના પુનઃવિકાસમાં કથિત ગેરરીતિ તથા તેમની પત્ની અને સહયોગીના સંબંધિત ટ્રાન્ઝેક્શન સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે.

રાઉત અગાઉ પહેલી જુલાઈએ નિવેદન નોંધાવવા માટે મુંબઈમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થયા હતા, પરંતુ સંસદના સત્રનું કારણ આપીને છેલ્લાં બે સમન્સને ટાળ્યા હતા. રાજ્યસભાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરને વફાદાર ગણાતા રાઉત દાવો કરી રહ્યાં છે કે તેમણે કંઇ ખોટું કર્યું નથી, પરંતુ રાજકીય કિન્નાખોરીને કારણે તેમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે.

બપોર પછી શિવસેનાના સમર્થકો હાથમાં ભગવા ઝંડા લઇને રાઉતના બંગલે એકઠા થયા હતા અને ઇડી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. ઇડીના અધિકારીઓ રાઉતને તેમના બંગલાથી ઇડીની ઓફિસે લઈ ગયા હતા. સેના કાર્યકરોએ ઇડીના વ્હિકલને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસે તેમને ખદેડી મૂક્યા હતા.કેટલાંક દેખાવકારોને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. ઇડી અધિકારીઓ સાથે જતાં પહેલા રાઉતે તેમના ઘરના ગેટ પર આવ્યા હતા અને સમર્થકોને સમક્ષ ભગવો ખેસ લહેરાવ્યો હતો. ઇડીના વ્હિકલમાં જતી વખતે પણ રાઉતે ફરી ઊભા થઈને શિવસૈનિકોનું અભિવાદન કર્યું હતું.

સંજય રાઉતના નાના ભાઇ સુનિલ રાઉતે દાવો કર્યો હતો કે ઇડીને પત્ર ચોલ કેસ સંબંધિત કોઇ પુરાવા મળ્યા નથી. સંજય રાઉતે જણાવ્યું હતું કે બાલા સાહેબ ઠાકરેના સોગંદ ખાઇને કહું છું કે હું કોઇ કૌભાંડમાં સંડાવાયેલો નથી. તેમણે સામનો કરતાં શીખવાડ્યું છે અને હું શિવસેના માટે લડતો રહીશે. સાઉથ મુંબઈમાં આવેલી ઇડી ઓફિસમાં પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. તપાસ એજન્સીની ઓફિસે જતાં રોડ વાહનો માટે બંધ કરાયા હતા અને બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા હતા.

સંજય રાઉત સામે ઇડીની કાર્યવાહીની શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ટીકા કરી હતી, જોકે મહારાષ્ટ્ર ભાજપેના નેતાઓએ જણાવ્યું હતું કે રાઉત કંઇ ખોટું ન કર્યું હોય તો ઇડીના પગલાંથી ડરવાની જરૂર નથી.