ગાંધીનગરનાં પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે ત્યજી દેવામાં આવેલા શિવાંશ નામના માસૂમ બાળકની ઘટનાએ ગયા સપ્તાહે સમગ્ર ગુજરાતની સંવેદનાને જાગાવી મૂકી હતી. દસ વર્ષનું બાળક અને પછી થયેલા ચોંકાવનારા જઘન્ય અપરાઘના સમાચાર વાયુવેગે ફેલાયા હતા અને ચર્ચાનો વિષય બન્યાં હતા.

શુક્રવારની રાત્રે ગાંધીનગર પાસે પેથાપુરમાં સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા બાળકને ત્યજી દેવામાં આવે છે. સોસિયલ મીડિયામાં આ બાળક ટ્રેન્ડ થતાં પોલીસ તાકીદે એક્શનમાં આવે છે અને પછી સમગ્ર ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થાય છે. પોલીસ બાળકને મૂકીને જનારી કારના નંબરના આધારે બાળકના પિતા સચિનકુમાર દિક્ષીતનો પતો મેળવે છે. રાત્રે બાળક શિવાંશને તરછોડ્યા બાદ તે પોતાના પરિવાર સાથે કોટા નાસી ગયો હતો, જ્યાંથી તેને ઝડપી લેવાયો હતો. સચિનની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ખુલાસો થયો હતો કે સચિન પત્ની અને પ્રેમિકા એમ બંને સાથે ગાંધીનગર અને વડોદરામાં બેવડું જીવન જીવતો હતો. પ્રેમિકા સાથે તે વડોદરામાં લીવ-ઇન રિલેશનશીપમાં સાથે રહેતો હતા અને આ સંબંધોથી શિવાંગનો જન્મ થયો હતો.

સચિન હિના ઉર્ફે મહેંદીના પ્રેમમાં હતો અને વર્ષ 2019થી બન્ને સાથે રહેતાં હતાં. સચિન પાંચ દિવસ વડોદરા અને બે દિવસ ગાંધીનગર રહેતો હતો. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં આવેલા સચિને હિનાની ગળું દબાવીને હત્યા કરી હતી.

શિવાંશને તરછોડી ગયેલા આરોપી પિતા સચિન દિક્ષીતે શુક્રવારે સાંજે તેની પ્રેમિકા તેમજ શિવાંશની માતા મંહેદીની ગળુ દબાવીને હત્યા કરી હોવાની કબુલાત કરી છે. ગાંધીનગરનો સચિન અને મુળ જૂનાગઢની મહેંદી ઉર્ફે હિના બે વર્ષથી લીવ ઇનમાં રહેતા હતા. મહેંદી સામાજીક દરજ્જો મેળવવા આતૂર હતી અને સમાધાનો કરતી છતાં સચીન સાથે તકરાર થતી રહેતી હતી.

મહેંદીની લાશને નિકાલ કરવા કોથળામાં બાંધી હતી. પણ, પરિવાર સાથે વતન જવાનું હોવાથી લાશને વડોદરાના ફ્લેટના બાથરૂમમાં જ મુકી સચીન તેના પુત્ર શિવાંશને ગાંધીનગરમાં પેથાપુર સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા બહાર મુકી નીકળી ગયો હતો. માસૂમ શિવાશે માતાની છત્રછાયા ગુમાવી છે અને તેના પિતાને હવે જેલની હવે ખાવી પડશે. આમ, સચીન દિક્ષિતના કૃત્યથી એક સાથે બે પરિવારનો માળો વિખેરાઇ ગયો છે.