Tesco (Photo by TOLGA AKMEN/AFP via Getty Images)

દુકાનોમાં કામ કરતા મોટાભાગના કામદારો માને છે કે 19 જુલાઈના રોજ કોવિડ પ્રતિબંધો હટાવી લેવાયા  બાદ તેમને કરાતી કનડગત અને હેરાનગતી વધી ગઇ છે એવું ગુરૂવારે (તા. 9) પ્રસિધ્ધ થયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. સંઘર્ષના મુખ્ય કારણોમાં હાલની સ્ટોકની અછત પણ જવાબદાર હોવાનું જણાવાયું હતું.

ફુટ એન્સ્ટીના એક અભ્યાસ મુજબ, આશરે 52 ટકા દુકાન કામદારોએ જણાવ્યું હતું કે ‘’કોવિડ પ્રતિબંધો સમાપ્ત થયા પછી તેમના સ્ટોરના કોવિડ સલામતીના પગલાં લાગુ કરતી વખતે ગ્રાહકો તરફથી કરાતા આક્રમક વર્તનમાં વધારો જોવા મળ્યો હતો. 50 ટકાએ રોગચાળા દરમિયાન સતામણીમાં વધારો નોંધ્યો હતો. તે જૂથમાંથી 95 ટકાએ મૌખિક સતામણીમાં વધારો જોયો હતો જ્યારે 20 ટકા શારીરિક હુમલાનો ભોગ બન્યા હતા. કામના સ્થળે 5 ટકા લોકોએ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. 1,048 જેટલા  દુકાનના કામદારોના સર્વેના આધારે આ તારણો મળ્યા હતા.

આ સતામણી માટે માસ્ક (57 ટકા), સામાજિક અંતર (45 ટકા), સ્ટોરમાં ગ્રાહકોની સંખ્યા (38 ટકા) અને સ્ટોકની અછત (36 ટકા)ને મુખ્ય કારણો તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. લગભગ 72 ટકા દુકાનદારો સંમત થયા હતા કે સ્ટોર્સમાં કોવિડ સલામતીનાં પગલાં લેવાથી તેઓ સુરક્ષિત હોય તેમ લાગે છે. અહેવાલમાં જણાવ્યું હતું કે દુકાનના લગભગ 65 ટકા કામદારો માસ્ક અને રક્ષણાત્મક સ્ક્રીન જોવા માગે છે અને નજીકના ભવિષ્ય માટે 64 ટકા કામદારો સામાજિક અંતર જોવા માંગે છે.