(ANI Photo)

શ્રેયસ ઐયરે ટેસ્ટ ક્રિકેટમાં મળેલી તક બરાબર ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી કર્યા પછી બીજી ઈનિંગમાં પણ તેણે અડધી સદી કરી હતી. ડેબ્યુ ટેસ્ટમાં સદી અને અડધી સદી કરનારો તે પ્રથમ ભારતીય છે. 26 વર્ષના શ્રેયસે પ્રથમ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા સાથે પાંચમી વિકેટની ભાગીદારીમાં 121 રન ઉમેર્યા હતા. બીજી ઈનિંગમાં તેણે અશ્વિન સાથે છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 52 રન તથા સહા સાથે સાતમી વિકેટની ભાગીદારીમાં 64 રન ઉમેર્યા હતા.

ભારતીય બેટર્સમાં પર્દાપણ ટેસ્ટમાં સૌથી વધુ રન કરવામાં ઐયર (170 રન – પ્રથમ ઈનિંગમાં 105, બીજી ઈનિંગમાં 65) ત્રીજા ક્રમે છે. તેણે લાલા અમરનાથનો રેકોર્ડ પણ તોડ્યો છે. અમરનાથે 1933/34 માં ઈંગ્લેન્ડ સામે 156 રન કર્યા હતા. આ લિસ્ટમાં પ્રથમ નંબરે રહેલા શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 2012/13 માં મોહાલીમાં 187 રન કર્યા હતા તો રોહિત શર્માએ 2013/14 માં વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકત્તામાં 177 રન કર્યા હતા.